કોંગ્રેસ શાસનકાળ સમયની વહીવટી મંજૂરીઓની 121 દરખાસ્તો પણ એક ઝાટકે ફગાવી દેવાઈ મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં બહુમતી સાથે સત્તામાં આવેલા ભાજપી શાસકોએ દરિયા જેવડા જિલ્લા પંચાયત ભવનમાં અનેક રૂમ હોવા છતાં વિપક્ષી સભ્યો માટે એક ચેમ્બર ફાળવવા ઇન્કાર કરી દઈ આવી કોઈ જોગવાઈ ન હોવાનો રાગ આલાપ્યો હતો. આશ્ચર્ય તો એ વાતનું છે કે રાજકોટ સહિતના અન્ય જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિપક્ષી નેતાને ગાડી અને ચેમ્બર ફાળવવામાં આવે છે પણ મોરબીમાં લોકશાહીના મૂલ્યો અભેરાઈએ મુકાતા આજે સામાન્ય સભામાં કોંગ્રેસી સભ્યો ગર્જ્યા હતા પણ તેની કોઈ અસર થઇ ન હતી. આજની સામાન્ય સભામાં કોંગ્રેસી શાસન દરમિયાનના વિકાસ કામોની વહીવટી મંજૂરી પણ રદ કરી દેવામાં આવી હતી. મોરબીના સામાકાંઠે નવી મોરબી જિલ્લા પંચાયત કચેરી બન્યા બાદ પ્રથમ વખત જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી.આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, ડીડીઓ પી.જે.ભગદેવ, ડે. ડીડીઓ ઇલાબેન ગોહેલ, ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા તેમજ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનો અને સભ્યો હાજર રહ્યા હતા.આ બેઠકમાં એજન્ડા ઉપર કુલ 12 મુદા સમાવવામાં આવ્યા હતા. ઉપરાંત સભ્યો દ્વારા આંગણવાડી,આરોગ્ય વિભાગ અને વારસાઈ આંબા અંગે લોકોને પડતી મુશ્કેલી નિવારવા પ્રશ્નો ઉઠાવ્યા હતા. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગત સામાન્ય સભાની બેઠકને બહાલી, ગત 21/5 ની સામાન્ય સભાના ઠરાવોને બહાલી, જુદી-જુદી સમિતિઓને બેઠકને બહાલી આપવા અને પ્રશ્નોતરી કરવામાં આવી હતી. આ એક કલાકની પ્રશ્નોતરીમાં માત્ર બેથી ત્રણ સદસ્યોએ પ્રશ્નો રજૂ કર્યા હતા.જેમાં સૌથી વધુ વાંકાનેરના જિલ્લા પંચાયતના સદસ્ય નવઘણભાઇ મેઘાણીએ પ્રશ્નો પૂછ્યા હતા. વાંકાનેરમાં ક્યાં ક્યાં રોડના કામો મંજૂર થયા અને ક્યાં ગામોમાં વધુ વરસાદ પડે તો કામો બંધ થાય તેવા પ્રશ્નમાં વાંકાનેરના ખીજડિયા સહિત ત્રણથી ચાર ગામોમાં વરસાદથી અસર થાય હોવાનો જવાબ અપાયો હતો. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને વારસાઈ આંબા માટે તાલુકા કક્ષાએ જવું પડતું હોય આ કામગીરી ગ્રામ પંચાયતમાં જ કરવાની રજુઆત કરી હતી. જ્યારે જિલ્લા પંચાયતમાં 10 કોંગ્રેસના સભ્યો માટે ચેમ્બરનો મુદ્દો ગાજયો હતો અને આ પ્રશ્ને થોડીવાર માટે ભારે ગરમાંગરમી થઈ પડી હતી. પરંતુ પ્રમુખે આ મુદ્દો હાલ પૂરતો પેડીંગ રાખી આગામી સભા ચર્ચા વિચારણા કરવાનું જણાવ્યું હતું. આમ, વિરોધ પક્ષની ભારે હો-હા, ગોકીરો છતાં શાસક પક્ષ ટસના મસ થયા ન હતા અને આવી જોગવાઈ ન હોવાનું જણાવી વિપક્ષને નજર અંદાજ કર્યો હતો. જો કે, ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ આજે તમે સતાસ્થાને છો કાલે અમે આવશું તેમ જણાવી માર્મિક ટકોર કરી હતી. જ્યારે આંગણવડી બંધ હોય લાભાર્થીઓને વસ્તુઓ બારોબાર જતી હોવાની ફરિયાદ સંદર્ભે પણ પ્રમુખ યોગ્ય તપાસ કરવાની ટકોર કરી હતી. ટંકારાના ધારાસભ્યએ ગામડાના રસ્તા ભારે વાહનોને કારણે તૂટી જતા હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વાહનો માટે પ્રવેશબંધી લાદવાની રજુઆત કરી હતી. આ બાબતના જવાબમાં ભારે વાહનોની પ્રવેશબંધી શક્ય ન હોય સારા રસ્તા માટે પ્રયાસો કરવા પર ભાર મુકાયો હતો. મોરબી, માળીયા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાની કોંગ્રેસની માંગણી અંગે પ્રમુખે આગામી સમયમાં આ મુદ્દે ચર્ચા કરવાનું જણાવ્યું હતું. તેમજ કોરોનાના મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવાની કોંગ્રેસની દરખાસ્તને ઉડાડી દેવાઈ હતી. આ ઉપરાંત ગત ટર્મમાં વર્ષ 2018-2020 ના કામોની વહીવટી મંજૂરી માટેની કુલ 121 જેટલી દરખાસ્તમાં કોંગ્રેસના શાસન દરમિયાન સૂચવેલા કામો રદ કરવામાં આવ્યા છે. જ્યારે વાંકાનેરના જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય જાહિર અબ્બાસી યુસુફ શેરસિયાએ થોડા સમય પહેલા રાજીનામું ધરવા તૈયારી કરી લેતા શાસકો દ્વારા નારાજ સભ્યને સાચવવા નવી જૈવ વિવિધતા કમિટીની રચના કરી સમિતિના ચેરમેન બનાવી દઈ હાલ ઘીના ઠામમાં ઘી પાડી દેવાયું છે આજે નારાજ સભ્યને ચેરમેનની જન્માષ્ટમી ભેટ મળતા અન્ય સભ્યો પણ નારાજ થવામાં મજા હોવાની હળવી મજાક કરતા જોવા મળ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..