મોરબી : પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિતે ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીની બહેનોએ NDRF ટીમના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને ઉજાગર કરતા રક્ષાબંધનના પાવન પર્વના અવસરે પોતાના વતનથી દૂર રહી સદા દેશના કોઈપણ ભાગમાં આવતી કુદરતી આપત્તિઓ કે કપરા સમયમાં જાનની બાજી લગાવી દેશ બંધુઓની રક્ષા કરતા અને પોતાનું સમગ્ર જીવન માનવસેવા અને રાષ્ટ્ર સેવાને સમર્પિત કરનારા સેવા પરમો ધર્મ સૂત્ર સાથે ગમે તેવા સંજોગોમાં પોતાના જાનની કે પરીવારની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવતા NDRFના જવાનોના કાંડે રક્ષા કવચ બાંધ્યું હતું. હાલમાં મોરબી ખાતે બરોડાના NDRF ઇન્સ્પેક્ટર રણજીતસિંહ પટેલ અને તેમની ટીમના 25 જવાનો ફરજ બજાવી રહ્યા હોય વતનથી દૂર સેવા આપતા આ જવાનોને રાખડી બાંધી ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીની બહેનોએ રક્ષાબંધનની અનેરી ઉજવણી કરી હતી. આભારની ભાવના સાથે રાખડી બાંધી શુભેચ્છા પાઠવી એક બીજાના મો મીઠા કરાવી પરિવાર ભાવના સાથે રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવતા જવાનોએ વતનથી દૂર હોવા છતાં બહેનથી મળેલ નિર્મળ પ્રેમ અને આશીર્વાદની અનુભૂતિ કરી હતી. આ પ્રોજેક્ટને સફળ બનાવવા ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, જોઇન્ટ સેક્રેટરી જ્યોતિબેન વિઠ્ઠલપરા, પ્રજ્ઞાબેન ગોસ્વામી, ચેતનાબેન પાંચાલ અને કવિતાબેન મોદાણી સહિત સભ્યો હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..