હકારાત્મક અભિગમ સાથે આજે સાંજે ટિકર પમ્પ ખાતે ધ્રાંગધ્રા, હળવદ, મોરબી તથા માળીયા તાલુકાના ગામોના આગેવાનોની એક સંયુક્ત મીટીંગ કરશે મોરબી : મોરબી જિલ્લામાં હાલ વરસાદ ખેંચાયો હોવાથી પાણી વગર ઉભો મોલ સુકાતા ખેડૂતોની દયનિય હાલત થઈ ગઈ છે. ત્યારે નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ તથા મોરબી બ્રાન્ચ કેનાલ દ્વારા માળીયા તથા મોરબી તાલુકાના ગામોમાં સિંચાઈનું પાણી ઉપલબ્ધ થાય એ માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ હકારાત્મક અભિગમ સાથે નવી પહેલ કરી છે અને આજે સાંજે ટિકર પમ્પ ખાતે મોરબી, માળીયા, હળવદ અને ધ્રાંગધ્રાના ખેડૂતો સાથે મિટિંગ યોજી મેદાને આવ્યા છે. માળીયા તાલુકા તથા મોરબી તાલુકાના ગામો નર્મદા કેનાલના છેવાડાના ગામો છે. તેથી પાણી મળવામાં ખૂબ વિલંબ થાય છે. આ વિષયને લઈને સિંચાઈ સુવિધા મેળવતા ધ્રાંગધ્રા, હળવદ, મોરબી તથા માળીયા તાલુકાના ગામોના આગેવાનોની એક સંયુક્ત મીટીંગ પૂર્વ ધારાસભ્ય અમૃતિયાની અધ્યક્ષતામાં આજે તા. 22 રવિવારના રોજ સાંજે 5 વાગ્યે ટિકર પમ્પ હાઉસ ખાતે યોજવામાં આવી છે. આ અગાઉ મિટિંગ હળવદ સર્કિટ હાઉસ ખાતે યોજાનાર હતી જેમાં ફેરફાર થયો છે. આ મિટીંગમાં આગળના ગામોએ પૂરતા પ્રમાણમાં પાણી પાઈ દીધું હોય એવા સંજોગોમાં ઉદાર મનથી મોટું દિલ રાખી તમામ ખેડૂતોનું હિત તમામ લોકો વિચારે અને સંપૂર્ણ સહકારની ભાવનાથી બ્રાહ્મણી ડેમ પણ ભરાય અને બન્ને બ્રાન્ચ કેનાલના છેલ્લા ગામો સુધી પાણી પહોંચે એ માટે હકારાત્મક અભિગમ સાથે વિશદ, ઊંડાણપૂર્વક ચર્ચા થશે. તેમ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..