સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન મગનભાઈ વડાવિયા દ્વારા તાત્કાલિક પાણી છોડવા માંગ ઉઠાવાઈ મોરબી : અડધો શ્રાવણ મહિનો વીતવા છતાં મેઘરાજા મન મૂકીને ન વરસતા ભીમ અગિયારસના શુકનમાં વાવણી કરનાર ખેડૂતોની ઉભી મોલાત મુરઝાવાની અણીએ પહોંચી છે અને ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને મોરબી માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન મગનભાઈ વડાવીયાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને વિસ્તૃત રજુઆત કરી ખેડૂતોના પાકને બચાવવા તાત્કાલિક મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવા માંગ ઉઠાવી છે. સાંસદ મોહનભાઇ કુંડારીયા અને મગનભાઈ વડાવીયાએ નાયબ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, મોરબી તાલુકાના મચ્છુ–૨ ડેમમાંથી કમાન્ડમાં આવતા કુલ–૧૪ ગામોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે. આ વર્ષે ચોમાસુ પાક બહુ જ સારો થયેલ છે. હાલમાં વરસાદ ખેંચાતા આ પાક નિષ્ફળ જાય તેમ છે. તો હાલમાં મચ્છુ–૨ ડેમમાંથી કમાન્ડમાં આવતા ખેડૂતોને એક પાણ આપવામાં આવે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જતો અટકી શકે તેમ છે. વધુમાં સરકાર દ્વારા સુચના આપવામાં આવી છે કે, પીવા માટે પાણી રીઝવૅ રાખી પાણી આપવું. મોરબીની હાલની સ્થિતીએ મચ્છુ–૨ ડેમમાં 1600 MCFT પાણી રહેલ છે. જો ખેડૂતોને સિંચાઇ માટે એક પાણ પુરતુ પાણી આપવામાં આવે તો 200 MCFT પાણીની જરૂરીયાત રહે. તો પણ મચ્છુ-૨ ડેમમાં 1400 MCFT પાણીનો જથ્થો રહેશે. હાલમાં દર મહિને પીવાના પાણીનો 200 MCFT જથ્થો ઉપડે છે. મચ્છુ–૨ ડેમમાં રહેલ પાણીમાંથી સિંચાઇ માટે એક પાણ આપવામાં આવે તો પણ પીવાના પાણીનો જથ્થો સાત માસ સુધી ચાલે તેમ છે. એટલે કે, આગામી માર્ચ-૨૦૨૨ સુધીનો પીવાના પાણીનો જથ્થો રહેલો છે. તો ખેડૂતના પાક માટે એક પાણ આપવામાં આવે તો મોટી નુકશાનીમાંથી બચી શકે તેમ છે. જેથી તાકીદે પાણી છોડવા માંગ ઉઠાવવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..