મોરબીના લાતીપ્લોટ નજીક ગતરાત્રે યુવાનની હત્યાના બનાવમાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના લાતીપ્લોટ પાસે આવેલ જોન્સનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક યુવાનને બે શખ્સોએ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ બન્ને શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં બન્ને શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી યુવાનને પતાવી દીધો હોવાનું બહાર આવ્યું છે. મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ અરુણોદય મીલ નજીક રહેતો ઇમરાન હાજીભાઈ ખોડ નામનો યુવાન ગઈકાલે સાંજે મોરબીના લાતીપ્લોટ-11 ના નાકે જોન્સનગરમાં મહોરમ નિમિત્તે યોજાયેલા તાજીયા જોવા ગયો હતો. તે સમયે બે શખ્સોએ આ યુવાનને છરીના ઘા ઝીકી દેતા તેને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આથી આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ અસલમભાઈ હાજીભાઈ ખોડે બન્ને આરોપીઓ ફરીદ અબ્બાસભાઈ સાઈચા અને ઈમ્તિયાઝ સલીમભાઈ ભટ્ટી સામે પોતાના ભાઈની હત્યા કર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, મૃતક યુવાનને દાઉદ નામના શખ્સ સાથે મિત્રતા હતી. આ બન્ને મિત્રો સાથે રખડતા હતા. આથી આ વાત બન્ને આરોપીઓને આંખમાં કણાની જેમ ખટકતા આ મુદ્દે વારંવાર બોલાચાલી પણ થતી હતી. આથી ગઈકાલે આ જૂની અદાવતનો ખાર રાખીને બન્ને શખ્સોએ યુવાનની હત્યા કરી નાખી હતી. હાલ એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ અંગે બન્ને શખ્સો સામે ખૂનનો ગુન્હો નોંધી બન્નેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પી.આઇ. સોનારા ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..