નવ નંબરના તાજીયા પાસે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીકી દીધા બાદ રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યું મોરબી : મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 11ના ખૂણા પાસે જોન્સનગરમાં તાજીયા સ્થળે ઊભેલા યુવાનને આજે સાંજે બે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીકાયા બાદ સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે, અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ રાજકોટ દોડી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વેજીટેબલ રોડ ઉપર અરૂણોદય મિલ નજીક રહેતો ઇમરાન હાજીભાઈ ખોડ નામનો યુવાન સાંજના સમયે લાતી પ્લોટ 11ના નાકે આવેલ જોન્સનગરમાં મહોરમ માસ નિમિતે નવ નંબરના તાજીયા ખાતે આવ્યો હતો. આ વેળાએ બે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીકી દેતા ગંભીર રીતે ઘાયલ ઇમરાનને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીજી તરફ રાજકોટ હોસ્પિટલમાં ઇમરાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે અને હાલ મોરબી સીટી એ ડિવિઝન ફરિયાદ લેવા માટે રાજકોટ દોડી ગયાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આજે તાજીયાનો તહેવાર હોય સાંજના સમયે બનેલી ઘટનાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી રાધિકા ભારાઈ અને એ ડિવિઝન પીઆઇ સોનારા સહિતનો કાફલો તુરત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હાલ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હત્યાના બનાવ અંગે મૃતક યુવાનના પરિવારજનો પાસેથી વિગતો મેળવી ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાલ પોલીસે હાથ ધરી છે.