શાસકપક્ષ ખેડુતોના પાકની ચિંતા કરવાના બદલે કાર્યક્રમોમાં વ્યસ્ત, સરકાર સમક્ષ સિંચાઈના પાણી છોડવાની ખેડૂતોની આજીજી મોરબી : મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાતા વાવેતર કરનાર ખેડૂતોની ફફોડી હાલત થઈ ગઈ છે. એમાંય આવા સંજોગો રાજ્ય સરકારે ખેડૂતોને સિંચાઇ માટે કેનાલમાંથી પાણી છોડવાનો આદેશ આપ્યો હતો. પણ આ આદેશનો જરાય અમલ ન થતા ખેડૂતો સિંચાઇ વિના ટળવળી રહ્યા છે. અને ઉભો પાક નજર સામે સુકાતો હોવાથી ખેડૂતોના હૈયા દાઝી રહ્યા છે. પાક નિષફળ જવાની અણી ઉપર હોવા છતાં સરકાર પાણી છોડવાને બદલે નિતનવા તમાશા કરી રહી છે. આથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને સરકાર સમક્ષ કેનાલમાંથી પાણી છોડવાની ઉગ્ર માંગ કરી છે. મોરબી જીલ્લાના અનેક ગામ તેમજ ટંકારા પંથકના લજાઈ, હડમતિયા, સજનપર, વિરપર જેવા અનેક ગામના ખેડુતોનો પાક વરસાદ ખેંચાતા ભસ્મીભૂત થવાની અણી ઉપર છે. ત્યારે જો સરકાર તાત્કાલિક ધોરણે કેનાલ કે નર્મદા લીંકના પાણી છોડી હોંકારા, તળાવો, નદી-નાળામા છોડવામાં આવે તો ખેડુતોના કુવામાં સુકાયેલ જળ ફરીથી સજીવન થાય તેમ છે. હાલ ગામડાઓની પરિસ્થિતિ સિંચાઈના અભાવે સીમ-ખેતરમા મોલ સુકાઈ રહ્યા છે. આથી જગતનો તાત લમણે હાથ દઈને આકાશ તરફ મીટ માંડીને બેઠો છે. સરકારને સિંચાઈના પાણી છોડવાની આજીજી કરી રહ્યો છે જેથી કરીને મોંધા ભાવના વાવેલ ખાતર બિયારણનો ખર્ચ નીકળે તેવું ટંકારા પંથકના ખેડુતો જણાવી રહ્યા છે. મોરબી જિલ્લાના પછાત વિસ્તારોમાં માળિયા મીયાણા તાલુકાનો સમાવેશ થાય છે. આ તાલુકામાં ઉપર કાઠે આવેલા ધાટીલા, વેજલપર, ખાખરેચી, સુલતાનપુર, ખીરઇ જેવા અગ્યાર ગામના ખેડૂતોને સિંચાઇ માટે કેનાલની સુવિધાઓ છે. જેમને હાલ કેનાલ દ્વારા પાણી નથી મળતું, જેને લઈને ખેડૂતોમાં આક્રોશ છે અને અગ્યાર ગામની ખેડૂત સમિતિ દ્વારા ખેડૂતોને વાવેતર થયેલા મોલને જીવનદાન આપવા રીતસરની ગુહાર લગાવી રહ્યા છે. સંબંધીત તંત્રને વારંવાર રજૂઆતો કરી રહ્યા છે. જ્યારે આ તાલુકાના 27 એવા ગામો છે જેમાં મોટી બરાર, જશાપર, નાની બરાર, ભાવપર, ભેલા, મોટા દહિસરા, ખીરસરા, ચાચાવદરડા, સરવડ જેવા ગામોમાં હજુ કોઈ સિંચાઇની સુવિધાઓ નથી. અહીં દરીયાઇ વિસ્તાર નજીક હોવાથી કુવા, બોર, ખેત તલાવડી, સરોવર જેવા શ્રોત માથી પણ પાણી મેળવી શકે તેવી વ્યવસ્થા નથી. આ તાલુકાના ખેડૂતોએ ચોમાસું આધારિત ખેતી કરવાના છુટકે ફરજ પડે છે. છેલ્લા 2012થી આ વિસ્તારના ખેડૂતો સિંચાઇ માટે મોરબી મચ્છુ બે નંબરની કેનાલનો કમાન એરીયો વધારીને કેનાલ આપવા માંગણીઓ કરી રહ્યા છે. પણ નકકર કામગીરી ન થતી હોવાની ખેડૂતો રાવ કરી રહ્યા છે. આ ખેડૂતોની માંગણી વ્યાજબી લાગતા અને આ વિસ્તારને હજી સુધી સિંચાઇ ન મળતાં ગામડાંઓ ખાલી થઈ રહ્યા છે. તેથી ખેડૂતોને વહેલી તકે સિંચાઇ વ્યવસ્થા કેમ ઉભી થાય અને ગ્રામ્ય વિસ્તારોના લોકો હિજરત કરી જતા ગામડાઓને ભાંગતા બચાવવા યોગ્ય કાર્યવાહી કરવાની ખેડૂતોએ માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..