ઓણસાલ કપાસની ગુણવતા ખુબ જ સારી હોવાથી મુહૂર્તના સોદામાં ખેડૂતો ઉત્સાહિત મોરબી / વાંકાનેર : નવી સીઝનમાં આગોતરા કપાસના વાવેતર કરનાર ખેડૂતોના કપાસમાં ફાટફાટ રૂ નિપજવા લાગતા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસનું આગમન શરૂ થયું છે. બે દિવસ પૂર્વે હળવદમાં રૂ.6511ના વિક્રમી ભાવે મુહૂર્તના સોદા થયા બાદ આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં પ્રતિમણ રૂપિયા 6551 અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પ્રતિમણ રૂપિયા 4486ના ભાવે મુહૂર્તના સોદા આજે થયા હતા. ઓણસાલ મેઘરાજાની અનિયમિતતા વચ્ચે ખરીફ સીઝનમાં કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને આગોતરા વાવેતરના મીઠા ફળ મળવાનું શરૂ થયું છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નવી જણસને વધાવવા મુહૂર્તના સોદામાં કપાસના વિક્રમી ભાવની બોલી બોલવામાં આવી રહી છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં વાંકિયા ગામેથી નવો કપાસ વેચવા આવેલા દુર્લભજીભાઈ પ્રેમજીભાઈ નામના ખેડૂતને પ્રતિમણ રૂ.6551ના ભાવે સોદો થતા વેપારીઓએ મોં મીઠા કરાવ્યા હતા. આ ઉપરાંત આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં કણકોટ ગામના ખેડૂત હુસેનભાઇ બાદી ખરીફ સિઝનનનો નવો કપાસ વેચવા માટે લાવતા નવા કપાસના વધામણાં કરી યાર્ડમાં રૂપિયા 4486ના ભાવે હરરાજીમાં સોદો થયો હતો. આ તકે યાર્ડ સતાવાળાઓએ નવા કપાસની ગુણવતા ખુબ જ સારી હોય આ વર્ષે ખેડૂતોને સારા ભાવ મળવાની આશા સેવી પેંડા વેચી મોં મીઠા કરાવ્યા હતા. વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં કપાસના મુહૂર્તના સોદા સમયે ચેરમેન શકીલ અહેમદ પીરઝાદા, વાઇસ ચેરમેન અશ્વિનભાઈ મેઘાણી, ડિરેક્ટર અલીભાઈ બાદી, સેક્રેટરી અલીભાઈ ચૌધરી, રોયલ ઇન્ડસ્ટ્રીઝના યાકુબભાઇ શેરસીયા, ગ્લોસી કોટેક્ક્ષના જાકીરભાઈ માથકીયા, ફૈઝ ઇન્ડસ્ટ્રીઝના નજરૃદીનભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..