મોરબી અપડેટ કોન્ક્લેવના ત્રીજા દિવસે મોરબીના ટ્રાફિક, સ્વચ્છતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટાઉન પ્લાનિંગ અને કાયદો અને વ્યવસ્થા સંદર્ભે ગહન ચર્ચા મોરબી : મોરબી અપડેટ કોન્ક્લેવ-2021ના આજે ત્રીજા દિવસે મોરબીના પડકારો અને તેના ઉકેલ વિષય અંતર્ગત મોરબીની ટ્રાફિક સમસ્યાથી લઈ ટાઉન પ્લાનિંગ અને ઇન્ફ્રાસ્ટ્ર્કચરથી લઈ કાયદો અને વ્યવસ્થા અંગે ગહન વિચાર મંથન કરવામાં આવ્યું હતું. જેની ફલશ્રુતિ રૂપે મંચસ્થ મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ, બિલ્ડરો, ચિંતકો અને અગ્રણીઓએ સર્વાનુમતે મોરબીના સંતુલિત વિકાસ માટે હવે મોરબીને મહાનગર પાલિકાનો દરરજો આપી કોર્પોરેશન અને અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી અમલી બને તેવો સુર વ્યક્ત કર્યો હતો. સાથો-સાથ આજના વિચારમંથન દરમિયાન મોરબીના ટ્રાફિક પ્રશ્નના નિરાકરણ માટે પણ સર્વગ્રાહી નીતિ અખત્યાર કરવા પણ મન બનાવ્યું હતું. શાંતિકુંજ મીડિયા પ્રાઇવેટ લિમિટેડના છત્ર હેઠળ મોરબી અપડેટ દ્વારા આયોજિત થીંક મોરબી કોન્કલેવ 2021ના ત્રીજા દિવસે મોરબીના પડકારો અને તેના ઉકેલ વિષય અંતર્ગત મોરબી અપડેટના સ્થાપક દિલીપભાઈ બરાસરાએ ત્રીજા દિવસના વિચાર મંથનમાં ઉપસ્થિત અધિકારીઓ, પદાધિકારીઓ, વિવિધ સંગઠનના પ્રમુખ, અગ્રણીઓ, અને ચિંતકો, વિશ્લેષકો સમક્ષ મોરબીના ટ્રાફિક, સ્વચ્છતા, ટાઉન પ્લાનિંગ અને કાયદો વ્યવસ્થા સંદર્ભે નક્કર આંકડાકીય વિગતો સાથે કોન્કલેવનો શુભારંભ કરાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મોરબીમાં દિવસે - દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યા અંગે સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, મોરબી આર્થિક સધ્ધર બનતા દિવસે ને દિવસે વાહનો વધી રહ્યા છે, સામે પક્ષે પાર્કિંગની સુવિધા નથી અને સાંકડા રસ્તાઓને કારણે ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. જો આવીને આવી સમસ્યા રહેશે તો આવનાર દિવસોમાં ઘરેથી સામાકાંઠે પહોંચતા એક કલાકનો સમય લાગશે. વધુમાં તેમણે ઉમેર્યું કે મોરબીમાં સાયકલિંગ કે વોકિંગ માટે પણ જગ્યા ઉપલબ્ધ નથી. આ પરિસ્થિતિનો ઉકેલ લાવવાની સાથે લોકોને માનસિકતા બદલવાની સાથે તંત્રને પણ ઉકેલની દિશામાં કામગીરી કરવી પડશે. આ તકે મોરબી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના જયંતીભાઈ રાજકોટિયાએ ઈચ્છાશક્તિ હોય તો બધું જ શક્ય હોવાનું ઉમેરી જણાવ્યું હતું કે, લોકો પાર્કિંગ અને ટ્રાફિક પ્રશ્ને જાગૃત બને તે જરૂરી છે. બાળક નાનું હોય ત્યારથી જ ટ્રાફિક સેન્સ આવે તે માટે શાળામાં ટ્રાફિક અંગે જાગૃતિના કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવા પડશે. વધુમાં લોકોના મનમાં ઘર કરી ગયેલ મારા બાપુજીનો રોડ છે, હું મન પડે ત્યાં ગાડી ઉભી રાખું, મન પડે તેમ વાહન હંકારું આવી માનસિકતા છોડવી જ પડશે. તેમને વધુમાં ઉમેર્યું કે, મોરબીમાં ટ્રાફિક બ્રિગેડ મુકવામાં આવ્યા બાદ લોકોમાં બદલાવ જરૂર આવ્યો છે. અગાઉ ટ્રાફિક થાય તો લોકો એક પછી એક વાહનો આગળ લાવતા તેને બદલે હવે લોકો એક હરોળમાં આવી વાહનો રાખતા થયા હોવાનું જણાવી પાર્કિંગના પ્રશ્ને કંટાળી પોતે પોતાનું ઘર અન્યત્ર બદલ્યું હોવાનું જણાવી ટ્રાફિક સમસ્યા જટિલ હોવા ઉપર ભાર મુક્યો હતો. આ તકે, મોરબી નાલંદા વિદ્યાલયના શિક્ષક જયેશભાઇ ગામીએ મોરબીના ટ્રાફિક પ્રશ્ને કરેલા અભ્યાસ અંગે ચિતાર આપતા જણાવ્યું હતું કે, લોકો જેવું ચિત્ર જુવે એવું જ વિચારે છે જેથી કરીને જ્યાં સુધી ટ્રાફિક પ્રશ્ને સ્વયં લોક જાગૃતિ નહિ આવે ત્યાં સુધી આ પ્રશ્ન નહિ ઉકેલાય. ખાસ કરીને મોરબીમાં ફેકટરીઓ સુધી પહોંચવા શેરિંગ કાર, સીટી બસનો ઉપયોગ અને વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઉપર ભાર મૂકી લોક જાગૃતિ લાવવા જણાવ્યું હતું. મોરબી અપડેટ કોન્કલેવમાં જિલ્લા પોલીસ વતી ઉપસ્થિત રહેલા પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.આલ દ્વારા મોરબીના ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા પ્રશ્ને સચોટ હકીકતો રજૂ કરતા જણાવ્યું હતું કે, મોરબી પૌરાણિક શહેર હોવાથી રસ્તાઓ સાંકડા છે. એમાં પણ મોટાભાગના વેપારીઓ પોતાની દુકાન બહાર સામાનના ઢગલા કરે છે. જેનાથી ઓલ્ડ ટાઉનમાં ટ્રાફિક સમસ્યા વકરી છે. ઉપરાંત આ સમસ્યાના ઉકેલ માટે તેઓએ સિરામિક ફેકટરીઓ સુધી પહોંચવા જુદા જુદા પિકઅપ પોઇન્ટ નક્કી કરી ફેકટરી માલિકો અને કર્મચારીઓ એસી વોલ્વો બસનો ઉપયોગ કરે, એક જ સમયે જુદી જુદી કારમાં ફેક્ટરીએ જતા ભાગીદારો, કુટુંબના સભ્યો એક જ કારનો ઉપયોગ કરે, શેરિંગ કાર સિસ્ટમ અમલી બનાવે તેવા મહત્વપૂર્ણ સુજાવ આપવાની સાથે જુના બસ સ્ટેન્ડને હટાવી ત્યાં વિશાળ પાર્કિંગ બનાવી ઓલ્ડ ટાઉનમાં આવેલી હોસ્પિટલો આસપાસની ટ્રાફિક સમસ્યા અંગે વિસ્તૃત છણાવટ સાથે ઉકેલ લાવી શકાય તેમ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તાર માટે ટ્રાન્સપોર્ટ નગર અત્યંત આવશ્ય હોવાનું ઉમેરી હાઇવે ઉપર થતા જીવલેણ અકસ્માતો નિવારવા લોકો સર્વિસ રોડનો ઉપયોગ કરતા થાય તે જરૂરી હોવાનું જણાવી પોલીસ વિભાગ ટ્રાફિકના ગંભીર પ્રશ્ને સજાગ હોવાનું જણાવ્યું હતું. કોઈપણ સમસ્યાનો ઉકેલ સમસ્યામાં જ સમાયેલ હોવાનું જણાવતા ડો. જયંતીભાઈ ભાડેશીયાએ જણાવ્યું હતું કે, લોકોમાં સંપત્તિ વધી, વસ્તી વધી છે એટલે સમસ્યા પણ વધી છે. એવા સંજોગોમાં શરૂઆત પોતાનાથી કરી ટ્રાફિક પ્રશ્ન ન સર્જાય તે માટે હું શું કરી શકું તેમ વિચારી સ્ટેટ્સ સિમ્બોલ છોડી જ્યાં ત્યાં વાહનો પાર્ક કરતા લોકોને સુધારવા આકરામાં આકરો દંડ ફટકારવામાં આવે અને બાળકોમાં નાનપણથી જ ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે માટે વિદેશની જેમ અભ્યાસક્રમ શરૂ કરવા તેમજ મોરબીમાં ટ્રાફિક પાર્ક નિર્માણ કરવા પણ સૂચન કર્યું હતું. મોરબી માર્ગ અને મકાન વિભાગના નાયબ ઈજનેર હિતેશભાઈ આદ્રોજાએ શહેરીજનોને આંતરિક અને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી કોઈ એક જ રોડ ઉપર ટ્રાફિક ભારણ ઘટાડવા ઉપર ભાર મૂકી પાણી ભરાવાને કારણે શહેરના રસ્તાઓ વારંવાર તૂટતા હોય સીસી રોડ મોરબી માટે શ્રેષ્ઠ હોવાનો સુઝાવ આપી ગ્રામીણ માર્ગો અને હાઇવે નવીનીકરણ માટે કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. મોરબી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જયંતીભાઈ જે. પટેલે જણાવ્યું હતું કે, રાજાશાહી સમયનું મોરબી શ્રેષ્ઠ અને નમૂનેદાર હતું પરંતુ બદલતા જતા મોરબીમાં અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય ટાઉન પ્લાનીંગ મામલે કોઈએ જવાબદારીપૂર્વક કામ જ ન કરતા આજે આ પરિસ્થિતિ...