મોરબીના તમામ ઉદ્યોગોનું એક સંગઠન બનાવવાની હાંકલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોરબી બોલાવી તેમના દ્વારા મોરબીનું બ્રાન્ડિંગ કરાવવાનો સુઝાવ મોરબી : મોરબી અપડેટ આયોજિત થીંક મોરબી કોન્કલેવનો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ દિવસે જ ઉદ્યોગકારો તેમજ નેતાઓએ મોરબીના વિકાસ ઉપર મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. જેમાં મહત્વ કહી શકાય તેવું મોરબીના સર્વાંગી વિકાસ માટે 100 સભ્યોની કમિટી રચવાનું આહવાન કરવામાં આવ્યું હતું. સાથે મોરબીના તમામ ઉદ્યોગોનું એક સંગઠન બનાવવાની પણ વાત મુકવામાં આવી હતી. આ સાથે એક સુઝાવ એવો પણ હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખા વિશ્વની બ્રાન્ડ છે. તો તેઓને મોરબી બોલાવી તેઓ દ્વારા મોરબીનું બ્રાન્ડિંગ કરાવવામાં આવે. તદ્દઉપરાંત મોરબીના અનેકવિધ પ્રશ્નો પણ આ કોન્કલેવમાં રજૂ થયા હતા. મને પણ મોરબીની સ્થિતિ જોઈને દુઃખ થાય છે, લોકોના મનમાં ભાવ ઉત્પન્ન થશે તો જ મોરબી સમૃદ્ધ બનશે : મોહનભાઈ કુંડારીયા સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું કે મોરબી અપડેટ કોન્કલેવ 2021- વિઝન 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ 2025માં મોરબી કેવું હોવું જોઈએ તે માટેનો છે. કોઈ પણ પક્ષના કોઈ પણ નેતા હોય તેઓને માતૃભૂમિ માટે હદયમાં ભાવ હોય છે. માટે જ આવો ભાવ મારો પણ છે કે મોરબી વિશ્વના નકશામાં ઉપસી આવે. અગાઉથી પ્લાનિંગ હોય તો જ ડેવલપમેન્ટ થઈ શકે. પ્લાનિંગ માટે દિલીપભાઈ બરાસરાએ જે આયોજન કર્યું છે તે સરાહનિય છે. સૌના સુચનોને આધારે ચાલીને મોરબીને સમૃદ્ધ બનાવવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું કે હું રસ્તામાંથી નીકળું છું મને પણ દુઃખ થાય છે. કે વૈશ્વીક લેવલે રહેલા મોરબીની સ્થિતિ આવી કેમ હોય શકે ? પણ લોકોના મનમાં ભાવ ઉત્પન્ન થશે તો જ બધુ થશે. ઉદ્યોગપતિઓએ પણ આ માટે આગળ આવવું પડશે. 100 કરોડના પ્લાન્ટમાંથી રસ્તા માટે 50 લાખ વાપરવા જોઈએ. કારણકે સરકાર બધે ન પહોંચી શકે. લોકોનો અને ઉદ્યોગપતિઓનો સાથ હશે તો જ મોરબી સમૃદ્ધ બની શકશે. અંતમાં તેઓએ જણાવ્યું કે મોરબીના વિકાસ માટે 100 લોકોની કમિટી બનાવવામાં આવે. કોન્કલેવમાં મારી જે જવાબદારી આવશે તે હું સુપેરે સ્વીકારીશ : બ્રિજેશભાઈ મેરજા ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજાએ જણાવ્યું કે મોરબીના લોહીમાં જ પડકાર ઝીલવાની તાકાત છે. આજે મોરબી ફૌલાદી બનીને ઉભું છે. મોરબીએ જાતે સ્કિલ ડેવલપ કરીને પોતાને વિશ્વના નકશામાં ઉપસાવ્યું છે. વધુમાં તેઓએ કહ્યું કે મોરબી અપડેટ દરેક રજૂઆતને તંત્ર સુધી પહોંચાડે છે. અમે પણ મોરબી અપડેટના અહેવાલોને ગંભીરતાથી લઈને ત્વરિત કાર્યવાહી કરીએ છીએ. આ કોન્કલેવમાં મારી જે જવાબદારી આવશે તે હું સુપેરે સ્વીકારીશ. ઉપરાંત તેઓએ અંતમાં જણાવ્યું કે વિધાનસભા બેઠકમાં ચૂંટાયા બાદ તેઓએ છેલ્લા 6 મહિનામાં 650 કરોડના વિકાસ કાર્યો મંજુર કરાવ્યા છે. ઉદ્યોગોના તમામ પ્રશ્નો સાથે રહીને ઉકેલવા કાર્યશીલ રહ્યા છે. મોદી આખા વિશ્વની મોટી બ્રાન્ડ, મોરબીનું બ્રાન્ડિંગ તેમની પાસે કરાવવું જોઈએ : પ્રકાશભાઈ વરમોરા એફઆઈએના પ્રમુખ પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું કે 1980માં ચાઇનની જીડીપી ભારતથી ઓછી હતી. પણ હવે ઊંધું થઈ ગયું છે. ચાઈનાની જીડીપી 17 ટ્રીલિયને પહોંચી છે. જ્યારે ભારતની 2.75 ટ્રીલીયન રહી છે. હવે વડાપ્રધાને 2030માં 10 ટ્રીલીયન જીડીપીનો લક્ષ્યાંક રાખ્યો છે. જેને આપણે સિદ્ધ કરવાનો છે. ગુજરાતના જીડીપીમાં ઉદ્યોગનો મોટો હિસ્સો છે. માટે સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ. માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી ડેવલપમેન્ટ થતું નથી. તે પ્રજા ઉપર આધાર રાખે છે. વધુમાં તેઓએ જણાવ્યું કે ચાઈના પાસેથી આપણે શીખ લેવી જોઈએ. ચાઈના એક સમયે મેન્યુફેક્ચરિંગ કરતું રહ્યું. બાદમાં તેને સમજાયું કે ખાલી મેન્યુફેક્ચરિંગ નહિ પણ બ્રાન્ડ બનાવવી જરૂરી છે. બાદમાં તેને બ્રાન્ડ બનાવવાનું શરૂ કર્યું અને આજે એમઆઈ અને વન પ્લસ જેવી તેની બ્રાન્ડ અઢળક નફો કરવામાં સફળ રહી. મોરબીમાંથી પણ ગ્લોબલ બ્રાન્ડ બનાવવી જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખા વિશ્વની મોટી બ્રાન્ડ છે. માટે મોરબીનું બ્રન્ડિંગ મોદીથી વિશેષ કોઈ ન કરી શકે. જેથી નરેન્દ્ર મોદીને મોરબી બોલાવીને તેમની પાસે આપણું બ્રાન્ડિંગ કરાવવું જોઈએ. વધુમાં તેઓએ જણાવ્યું કે ઉદ્યોગપતિઓએ બહાર પણ જવું જરૂરી છે. તો જ મોરબી આખા વિશ્વમાં છવાશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નહિ થાય તો ઉદ્યોગો બીજે ચાલ્યા જશે. : જયસુખભાઈ પટેલ ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલે જણાવ્યું કે આજે એક ઉદ્યોગપતિને તેના કારખાને જવા ટ્રાફિકના કારણે બે કલાકનો સમય થાય છે. જે દુઃખની બાબત છે. રોડ- રસ્તા, પાણી સહિતની સવળતોનો અભાવ છે. જો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નહિ થાય તો ઉદ્યોગો બીજે ચાલ્યા જશે. મોરબી જો ઇન્કમની દ્રષ્ટિએ નંબર વન હોય તો કેમ ગવર્મેન્ટ તરફથી સુવિધાઓ મળતી નથી. તેઓએ સિમેન્ટ ફેકટરીના એસો. વિશે ઉદાહરણ આપતા જણાવ્યું કે આ એસો. તેના સભ્યો પાસેથી મેન્યુફેક્ચરિંગ કરેલી એક થેલી દીઠ અમુક ચાર્જ લ્યે છે. તેમાંથી મળેલા ફંડને રિસર્ચ પાછળ ખર્ચવામાં આવે છે. અને જાણવામાં આવે છે કે ભવિષ્યમાં ડિમાન્ડ શુ રહેશે. જેના આધારે તમામ સભ્યોને ઉત્પાદન કરવાનો ચોક્કસ આંકડો આપી દેવાય છે. આવું સિરામિકમાં પણ અમલી બનવું જોઈએ. ફ્યુલ અને શિપિંગમાં રાહત મળે તો 5થી 7 વર્ષમાં મોરબી સિરામિક નંબર વન ઉપર આવી જાય : નિલેશભાઈ જેતપરિયા મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં નંબર 2 ઉપર છે. ચાઈના સાથે આપણી પ્રાઇસ બાબતે હરીફાઈ છે. પણ ક્વોલિટીમાં આપણે બેસ્ટ છીએ. હાલના સમયમાં આપણે યુરોપ અને એમેરિકામાં ટાઇલ્સની નિકાસ કરતા થઈ ગયા છીએ. હવે આપણે વિશ્વમાં નંબર વનનું સ્થાન હાંસલ કરવા તરફ જઈ રહ્યા છીએ. કારણકે આપણી પાસે ક્વોલિટી ટીમ, શ્રેષ્ઠ ટેકનોલોજી, શ્રેષ્ઠ રો મટીરીયલ અને સાહસિક ઉદ્યોગકારો છે. આજથી 6- 7 વર્ષ પૂર્વે નવી ટેકનોલોજી આવી. જેની મદદથી આપણે જીસીસીના માર્કેટમાંથી ચાઇનાને આઉટ કરી દીધું. હવે સરકાર તરફથી સસ્તું ફ્યુલ અને શિપિંગ કોસ્ટ ઘટે તેવા પગલાં લેવામાં આવે. તો આપણે 5થી 7 વર્ષમાં નંબર વનનું સ્થાન હાંસલ કરી શકીશું. સરકારે ખાનગી કંપનીઓને પણ માર્કેટમાં આવવા દેવી જોઈએ : જયંતિભાઈ પટેલ...