ત્રણેય ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા જેતપર રોડ ઉપર આવેલા એક કારખાનામાં દીવાલ અચાનક ધસી પડતા ત્રણ શ્રમિકો દીવાલ હેઠળ દબાઈ ગયા હતા. બાદમાં ત્રણેય ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. મોરબી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ આ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ કોસીના સીરામીક કારખાનામાં શ્રમિકો મજૂરી કામ કરી રહ્યા હતા. તે સમયે કારખાનાની અંદર એક દીવાલ અચાનક ધસી પડી હતી. આ કારખાનામાં કામ કરતા નરેશભાઈ પારસિંગભાઈ ભીલ (ઉ.વ.23), સરોજબેન ખેલસિંગ ભીલ (ઉ.વ.30) અને ખેવસિંગ દીપસિંગ ભીલ (ઉ.વ.32) ઉપર દીવાલ માથે પડતા દબાઈ જવાથી ઇજા થતાં આ ત્રણેયને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી નરેશભાઈ ભીલને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.