પ્લોટના મૂળ માલીકે ફરિયાદ નોંધાવતા કબજો જમાવનારા ત્રણ શખ્સો સામે ગુન્હો દાખલ મોરબી : મોરબીના સામા કાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર કો.ઓ.હા. સોસાયટીના પ્લોટ ઉપર ત્રણ શખ્સોએ ગેરકાયદે કબ્જો જમાવતા લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પ્લોટના મૂળ માલીકે ત્રણ શખ્સો સામે તેમની માલિકના પ્લોટનો ગેરકાયદે વપરાશ કરીને જમીન પચાવી પાડવાનો કારસો રચ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શીવનગર (પંચાસર) ગામે રહેતા હીરાલાલ ગણેશભાઇ નેસડીયા (ઉ.વ.૫૯) એ આરોપીઓ સુનીલભાઈ અમરસીભાઈ વરાણીયા, નવઘણભાઈ અમરસીભાઈ વરાણીયા તથા ભવાનભાઇ મંગાભાઇ વેસરા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, આજથી દોઢેક વર્ષ પહેલા કોઇપણ સમયેથી આજદીન સુધી આરોપીઓએ ફરીયાદીની માલીકીની લક્ષ્મીનગર કો.ઓ.હા. સોસાયટી પ્લોટ નં.૧ ઉપર બ્લોક નં.૨૧ વાળા પ્લોટ ઉપર કબ્જો કરી વપરાશ કરી જમીન પચાવી પાડી હતી. આ બનાવ અંગે ફરિયાદીએ અગાઉ અરજી કરી હતી. જેના આધારે પ્રાથમિક તપાસ કર્યા બાદ લેન્ડ ગ્રેબિંગ હેઠળ આ બનાવની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ લેન્ડ ગ્રેબિંગ કેસની ડીવાય.એસ.પી. એમ.આઇ.પઠાણ સઘન તપાસ ચાલવી રહ્યા છે.