કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દેતા પોલીસે કાર્યવાહી કરી મોરબી : મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મંદિરની મિલ્કત મામલે ટ્રસ્ટી અને પૂજારીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદના અંતે થોડા સમય પહેલા આ મંદિરના ટ્રસ્ટીએ બે પૂજારીઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ મંદિરની મિલ્કત પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાવ્યા બાદ બન્ને પૂજારીઓએ ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા કોર્ટે આ આગોતરા જામીન નામંજૂર કરી દેતા અંતે પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મંદિરમાં સેવાપૂજાનું કામ સાંભળતા બે પૂજારીઓ હર્ષદગિરી ગોવિંદગિરી ગૌસ્વામી અને રાજુગીરી ગોવિંદગિરી ગૌસ્વામી સામે થોડા સમય પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ખુદ જડેશ્વર મંદિરના ટ્રસ્ટી યશવંતભાઈ જોષીએ જ આ બન્ને પૂજારી સામે મંદિરની મંદિરની મિલ્કત પચાવી પાડવાનો કારસો રચ્યાની ફરિયાદ નોંધાવતા આ લેન્ડ ગ્રેબીગ કેસની ડીવાયએસપી તપાસ ચાલવી રહ્યા છે. દરમિયાન આ લેન્ડ ગ્રેબિંગ કેસમાં ધરપકડથી બચવા બન્ને આરોપીઓએ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો અને તપાસ કરનાર અધિકારીઓને સાંભળીને કોર્ટે આ બન્ને આરોપીઓના આગોતરા જામીન ફગાવી દીધા હતા. આથી, ડી.વાય.એસ.પી.ના માર્ગદર્શન હેઠળ પોલીસે આ બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી અને આ કેસમાં ડી.વાય.એસ.પી. સઘન તપાસ ચાલવી રહ્યા છે.