આધારકાર્ડ માટે લોકોનો ભારે ધસારો રહેતો હોવાથી બીજું આધારકાર્ડ સેન્ટર ખોલવા માંગ મોરબી : મોરબીના સામાકાંઠે લાલબાગ પાસે આવેલા તાલુકા સેવાસદનના આધારકાર્ડ સેન્ટરમાં સોશ્યલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થતો હોવાની સામાજિક કાર્યકરે ફરિયાદ ઉઠાવી છે. જેમાં આધારકાર્ડ માટે લોકોનો ભારે ધસારો રહેતો હોવાથી લોકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી. આથી, સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને લોકોની મુશ્કેલી ઓછી થાય તે માટે તેઓએ બીજું આધારકાર્ડ સેન્ટર ખોલવાની માંગ ઉઠાવી છે. મોરબીના સામાકાંઠા વિસ્તારના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, મોરબીના સામાકાંઠે લાલબાગ પાસે આવેલા તાલુકા સેવાસદનના આધારકાર્ડ સેન્ટરમાં આધારકાર્ડ કઢાવવા માટે લોકોની ભારે ભીડ ઉમટે છે. આ એક જ આધારકાર્ડનું સેન્ટર હોવાથી અહીંયા લોકોનો ભારે ઘસારો રહે છે. લોકોની ભીડને કારણે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થાય છે. જો કે કોરોનાની બીજી લહેર શાંત પડી છે. પણ હજુ સાવચેતી રાખવી જરૂરી છે. આથી, સોશ્યલ ડિસ્ટન્સનો પણ અમલ જરૂરી છે. તેથી, તાલુકા સેવાસદનના આધારકાર્ડ સેન્ટરમાં આધારકાર્ડ કઢાવવા માટે ભીડ ન થાય અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેમજ લોકોની હાલાકી પણ ઓછી થાય તે માટે આધારકાર્ડનું બીજું સેન્ટર ખોલવાની તેઓએ માંગ કરી છે.