મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરમાં આગામી દિવસોમાં બે ચરણમાં 'જન-સંવેદના મુલાકાત' અભિયાન યોજવામાં આવ્યું છે. જે અભિયાન અંતર્ગત ઈશુદાન ગઢવી સહિતના અગ્રણીઓ આગામી તા. 20 અને 21 જુલાઈએ મોરબીની મુલાકાતે આવશે. આમ આદમી પાર્ટી દ્વારા કોરોના કાળમાં લોકોના દુઃખમાં સહભાગી બનવા અને મૃતકોને ન્યાય અપાવવા માટે આગામી દિવસોમાં ગુજરાતમાં જન-સંવેદના મુલાકાતનું આયોજન 28 જૂનથી 15 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. જે મુજબ આગામી તા. 20 અને 21 જુલાઈના રોજ ગોપાલ ઇટલીયા તેમજ તાજેતરમાં 'આપ'માં જોડાયેલા પત્રકાર ઈશુદાન ગઢવી અને કિશોરભાઈ દેશાઇ મોરબી જિલ્લાના પ્રવાસે આવશે. અને જન-સંવેદના મુલાકાત રૂપે દરેક તાલુકાના પસંદગીના ગામોની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે 'આપ'ના 'જન-સંવેદના મુલાકાત'નો પ્રારંભ આગામી તારીખ 28 જૂનથી સોમનાથ મહાદેવના દર્શન કરીને કરવામાં આવ્યો છે. આ મુલાકાતના અલગ અલગ તબક્કાઓમાં ગુજરાતના તમામ જીલ્લાઓને આવરી લેવામાં આવશે. આ મુલાકાતમાં આમ આદમી પાર્ટી - ગુજરાતનું શીર્ષ નેતૃત્ત્વ, પાર્ટીના સ્થાનિક આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.