વાંકાનેરમાં પીડિતાએ બાળકીને જન્મ આપતા કૌટુંબિક કાકાની હવસલીલાનો ભાંડો ફૂટ્યો વાંકાનેર : હળહળતા કળિયુગની પ્રતીતિ કરાવતા કિસ્સામાં વાંકાનેરમાં ધૃણાસ્પદ ઘટના સામે આવી છે.જેમાં કૌટુંબિક કાકા પોતાની સગીર વયની ભત્રીજી ઉપર નજર બગાડીને હેવાનીયત આચરી હતી. કૌટુંબિક કાકાના કુકર્મનો ભોગ બનેલી સગીરાએ બાળકીને જન્મ આપતા અંતે કૌટુંબિક કાકાની હવસલીલાનો ભાંડો ફૂટ્યો હતો.આથી આ બનાવ અંગે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે દુષ્કર્મ અને પોકસો એકટ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નજીક રહેતી શ્રમિક પરિવારની સગીર વ્યની દીકરીને તેના જ કૌટુંબિક કાકાએ હવસનો શિકાર બનાવી હતી. વાસનામાં અંધ બનેલા આ નરાધમે અવારનવાર સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. કૌટુંબિક કાકાની હેવાનીયતનો શિકાર બનેલી સગીરા ગર્ભવતી બની ગઈ હતી અને તા.26 ના રોજ સગીરાએ બાળકીનો જન્મ આપતા કૌટુંબિક કાકાની હવસલીલાનો ભાંડો ફૂટી ગયો હતો અને કૌટુંબિક કાકાએ સગીરા ઉપર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દીધાનું બહાર આવતા આ મામલે ભોગ બનનાર પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે.આથી પોલીસે આરોપી કિરણ ફુલજીભાઈ સામે દુષ્કર્મ અને પોકસો એકટનો ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.