નવી આંગણવાડી બનાવી આપવા ચીફ ઓફિસરને રજુઆત કરાઈ મોરબી : મોરબી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીના પાપે આઝાદીના સાત દાયકાઓ પછી છેવાડાના વિસ્તારો વિકાસ માટે રીતસર વલખા મારી રહ્યા છે. અને પાયાની સુવિધાઓ આજદિન સુધી નથી મળી. એ ગંભીર બાબત તંત્ર માટે શરમજનક છે. ત્યારે મોરબીના છેવાડાના વિસ્તારમાં લાંબા સમયથી આંગણવાડી કેન્દ્રને અલીગઢી તાળા હોવાથી ગરીબ બાળકો અને સર્ગભા સ્ત્રીઓ સરકારની યોજનાના લાભથી વંચિત રહી જાય છે. મોરબીની ભાગોળે આવેલ શનાળા બાયપાસ પાસેના લાયન્સનગર વિસ્તારના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી કે, તેમના વિસ્તાર લાયન્સનગરમાં આવેલ આંગણવાડી વર્ષોથી બંધ હાલતમાં છે. જેમાં વર્ષ 2001 ના ભૂકંપમાં આ આંગણવાડીના મકાનને ભારે ક્ષતિ પહોંચી હોવાથી સલામતી ખાતર આંગણવાડીને બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ આંગણવાડીને બંધ કર્યાને વર્ષો વીતી ગયા છતાં હજુ સુધી તેને રીનોવેશન કરીને ચાલુ કરવાની કોઈ તસ્દી લેવાતી નથી. આથી આ વિસ્તારના નાના ભૂલકાઓ તેમજ સર્ગભા સ્ત્રીઓ સરકારની યોજનાથી વંચિત રહી જાય છે. જો કે હાલ આ વિસ્તારમાં ભાડાના મકાનમાં આંગણવાડી ચાલે છે. પણ તે જગ્યા ખૂબ જ ટૂંકી પડતી હોવાથી હાલાકી પડે છે. આથી જે જૂની આંગણવાડી છે તે જગ્યાએ નવી આંગણવાડી બનાવવાની તેઓએ માંગ ઉઠાવી છે.