વર્ષ 2020થી અત્યાર સુધીમાં 3,69,50,900 રૂપિયા માસ્ક દંડ પેટે વસુલાત મોરબી : કોરોના મહામારીએ દેશભરમાં હાહાકાર મચાવી લોકોની આર્થિક સ્થિતિને કફોડી બનાવી છે પરંતુ કેન્દ્ર-રાજ્ય સરકાર અને હાઇકોર્ટના દિશા નિર્દેશ અનુસાર કોરોના મહામારી ફેલાતી અટકે તે માટે પોલીસને સોંપવામાં આવેલી માસ્કની દંડનીય કાર્યવાહી કરી કોરોના રોગચાળાની પહેલી અને બીજી લહેરમાં મોરબી પોલીસે અધધ કહી શકાય તેવી કાર્યવાહી કરી અત્યાર સુધીમાં રૂપિયા 3,69,50,900 માસ્ક દંડ પેટે વસુલાત કરી છે. જેમાં બીજી લહેરના સમયગાળામાં 1 માર્ચથી 24 જૂન સુધીમાં જ 1.59 કરોડથી વધુ દંડ વસુલ કરાયો છે. કોરોના મહામારી દરમિયાન મોરબી પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંગે વિગતો આપતા જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે 1 માર્ચ, 2021થી 24 જૂન, 2021 દરમિયાન મોરબી જિલ્લામાં 15,666 લોકો સામે માસ્ક ન પહેરવા બદલ રૂપિયા 1,56,66,000 દંડ વસુલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે પોલીસ વિભાગ માત્ર માસ્ક નહીં પહેરવા અંગે દંડ વસૂલવાથી સંતોષ નહી માની માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને 40,573 માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. વધુમાં, તેઓએ ઉમેર્યું હતું કે કોરોના મહામારીમાં લાગુ કરવામાં આવેલા નિયંત્રણ અને કોવિડ ગાઇડલાઇન જાહેરનામા ભંગ સબબ અત્યાર સુધીમાં એપેડેમિક ડીસીસ એક્ટ મુજબ 806 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અન્વયે 186 કેસ, કર્ફ્યુ,સોશિયલ ડિસ્ટન્સ અને આરટીપીસીઆર ટેસ્ટ ન કરનારા 3128 લોકો સામે કાર્યવાહી કરી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એમ.વી. એક્ટ હેઠળ કોરોના કાળમાં 3633 વાહનો જપ્ત કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.