મોરબી : રાજ્ય સરકારે કોરોના સંદર્ભે જાહેર કરેલી નવી માર્ગદર્શિકા મુજબ મોરબી શહેરમાં તમામ દૂકાનદારો સવારના ૯ થી રાત્રીના ૯ સુધી દૂકાનો ખુલી રાખી શકશે. તેમજ કર્ફયુમાં પણ મુદ્દત વધારવામાં આવી હોઇ તે મુજબ આજ રાતના ૧૦:૦૦ વાગ્યા સુધી લોકો ઘર બહાર રહી શકશે, પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું ફરજીયાત હશે. મોરબી શહેરમાં રાત્રીના ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા દરમિયાન લોકોએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહી તેમજ કોઇપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઊભા રહેવું નહીં, રખડવું નહીં અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું ફરવું નહી.તમામ દુકાન, વાણિજયક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેકસ, માર્કેટિંગ યાર્ડ, આઠવાડીક ગુજરીબજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિ સવારના ૦૯:૦૦થી રાત્રીના ૯:૦૦ સુધી ખુલ્લા રાખી શકાશે. રેસ્ટોરેન્ટ્સ રાત્રીના ૯:૦૦ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ ૬૦ ટકા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે S.O.Pને આધીન ચાલુ રાખી શકાશે. ઉપરાંત રેસ્ટોરેન્ટ્સમાં રાત્રીના ૧૨:૦૦ સુધી હોમ ડિલીવરી (Home Delivery)ની સુવિધા ચાલુ રાખી શકાશે. જીમ ૬૦ ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની શરતોને આધીન ચાલુ રાખી શકાશે.જાહેર બાગ-બગીચાઓ રાત્રીના ૯:૦૦ સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ખુલ્લા રાખી શકાશે.લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૦૦ (સો) લોકોની મંજૂરી અપાઇ છે, લગ્ન PORTAL પર નોંધણી કરવાની રહેશે.અંતિમ ક્રીયા/દફન વિધીમાં ૪૦ (ચાલીસ) વ્યકિતઆ સામેલ થઇ શકશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધીન, ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યકિતઓ પરંતું બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (મહત્તમ ૨૦૦ વ્યકિતઓની મર્યાદામાં) લોકો એકત્રિત થઈ શકશે.વાંચનાલયો ૬૦ ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે.તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૦/૦૬ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહીં.