એલ.ઈ. કોલેજ નજીક રસ્તાના કામમાં જેસીબીએ બીએસએનએલ ફાયબર ઓપ્ટિકના ડૂચા કાઢી નાખ્યા સાંજ સુધીમાં કનેક્ટિવિટી પૂર્વવત થવાના અણસાર મોરબી : મોરબી શહેરના એલ.ઈ.કોલેજ રોડ ઉપર ચાલી રહેલા રોડ-રસ્તાના કામમાં ખોદકામ દરમિયાન બીએસએનએલની ફાયબર ઓપ્ટિક લાઈનના ડૂચા નીકળી જતા બપોરે એક વાગ્યા બાદ મોરબી સહીત સમગ્ર જિલ્લામાં સરકારી કચેરી, પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન કામગીરી ઠપ્પ થઇ જવા પામી છે અને સાંજ સુધીમાં કનેક્ટિવિટી પુનઃ સ્થાપવા ટેક્નિકલ ટિમો કામે વળગી છે. કનેક્ટિવિટી ખોરવાતા સરકારી કચેરીઓમાં કામગીરી માટે આવેલા અરજદારોને કલાકો સુધી ઇંન્તજાર કરવો પડ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરે એકાદ વાગ્યાના અરસામાં મોરબી તાલુકા સેવા સદન સહિતના જનસેવા કેન્દ્રમાં સર્વર ડાઉન થઈ ગયા બાદ કનેક્ટિવિટી ખોરવાઈ જતા જી-સ્વાન ટિમ ફોલ્ટ શોધવા ઊંધે માથે થઇ હતી. જો કે બીજી તરફ એલ.ઈ.કોલેજ રોડ ઉપર પાલિકા દ્વારા રસ્તાની કામગીરી માટે ખોદકામ શરૂ કરાયુ હોય અહીં ફાયબર ઓપ્ટિક લાઈન તૂટી જવાનું ધ્યાને આવતા જી-સ્વાન ટિમ દ્વારા બીએસએનએલ કચેરીનું ધ્યાન દોરી તાબડતોબ મરામત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન બીએસએનએલ ફાયબર ઓપ્ટિક લાઈન તૂટી જવાને કારણે મોરબી શહેરમાં આવેલી તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી, તમામ પોલીસ મથકોનું ઇન્ટરનેટ નેટવર્ક ખોરવાઈ જવાથી રોજિંદી ઓનલાઇન કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી. જો કે, જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા પોલીસ વડા કચેરીના નેટવર્કને કોઈ અસર પડી ન હતી. ઉપરાંત ટંકારા, વાંકાનેર અને અન્ય તાલુકાઓમાં પણ આ ફોલ્ટને કારણે ઓનલાઇન કામગીરી ઠપ્પ થઇ જવા પામી હતી અને સાંજ સુધીમાં પુનઃ નેટવર્ક સ્થપિત થઇ જનાર હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.