હળવદના ધણાદ ગામનો બનાવ : વાડીએ તોડફોડ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હળવદ : હળવદ તાલુકાના ઘણાંદ ગામની સીમમાં આવેલ વાડીએ એક શખ્સે કોઈ બાબતનો ખાર રાખીને તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ શખ્સે વાડીએ ટપક પદ્ધતિની લાઈન અને વીજ જોડાણમાં તોડફોડ કરી વાડી માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ધર્મેશભાઇ પ્રેમજીભાઇ વામજા (ઉ.વ.૨૯, ધંધો-ખેતી, રહે.રણમલપુર, તા.હળવદ) એ આરોપી મનસુખભાઇ જાદુભાઇ (રહે.ઘણાંદ, તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૨ ના રોજ ઘણાંદ ગામની સીમમાં આરોપી મનસુખભાઇ જાદુભાઇએ પોતાના હાથમાં ધારીયુ લઇ ફરીયાદીના કબ્જાવાળી જમીનમાં આવીને પાણી વાળવાનો ટપક પધ્ધતીનો હેડ તથા ઓરડીની પાછળ પડેલ કાળી લાઇનો તથા ફરીયાદીની વાડીએ ઓરડીમાં રાખેલ ઇલેક્ટ્રીક વીજ મીટર તથા સ્ટાટર તથા પાવર-એમ્પીયર કાંટાને તોડી નાખીને આશરે રૂ. ૨૦,૦૦૦ ની નુકશાની કરી ફરીયાદી તથા ફરીયાદીના બાપુજીને જેમ ફાવે તેમ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી આરોપીએ ફરીયાદી ઉપર ધારીયુ ઉગામ્યુ હતું. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.