હળવદ : મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી અને હળવદમાં રહેતા બિલ્ડર તપનભાઈ દવે એ તેમના પુત્ર શ્રેયાંશને હળવદની સરકારી શાળા નંબર - ૪માં પ્રવેશ અપાવી અનુકરણીય અને પ્રેરણાદાયી પગલું ભર્યું છે. હળવદના રહીશ અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી અને બિલ્ડર તપનભાઈ દવે એ તેમના પુત્ર શ્રેયાંશને હળવદ ની પેસેન્ટર શાળા નંબર - ૪ (સરકારી શાળા)માં પ્રવેશ આપાવ્યો છે. તપનભાઈ પોતાના પુત્રને ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા માટે આર્થિક રીતે સક્ષમ હોવા છતાં સરકારી શાળાની શિક્ષણ પદ્ધતિથી પ્રેરાયને તેમના પુત્રને સરકારી શાળામાં પ્રવેશ અપાવી સમાજમાં લોકોને સરકારી શાળામાં પોતાના બાળકોને વિદ્યાભ્યાસ માટે પ્રવેશ અપાવે તે માટે પ્રેરણા પુરી પાડી છે. આ સરકારી શાળામાં અનેક સરકારી કર્મચારીઓના સંતાનો પણ અભ્યાસ કરી રહ્યા છે અને આ શાળામાં સર્વાંગી શિક્ષણ થકી વિદ્યાર્થીઓને અનોખું અને ભાર વગરનું ભણતર પૂરું પાડવામાં આવે છે. આ શાળામાં અનેક વૃક્ષો અને બાળકો માટે રમતગમતના સાધનો સહિત સ્માર્ટ કલાસ રૂમ અને અન્ય અદ્યતન સુવિધાસભર આ શાળામાં બાળકો નો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. હળવદ તાલુકા સહિત ગુજરાતભરમાં અનેક આવી આદર્શ સરકારી શાળાઓ છે. આ સરકારી શાળામાં આશરે ૯૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ નવા શૈક્ષણિક સત્રમાં 100 જેટલા ધોરણ 1માં અને 125 જેટલા ધોરણ 2 થી 8માં અન્ય ખાનગી શાળામાંથી પ્રવેશ મેળવેલ છે. ત્યારે મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે એ જાહેર જનતાને સરકારી શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ માટે બાળકોને નિ:સંકોચ પ્રવેશ મેળવવા યાદીમાં અનુરોધ કર્યો છે.