હળવદ-મોરબી ચોકડી નજીકની ઘટના : અકસ્માતે કે આત્મહત્યા, પોલીસ તપાસ ચાલુ હળવદ : આજે બપોર બાદ હળવદ શહેરના મોરબી ચોકડી નજીક આવેલ ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલમાં 20 વર્ષીય યુવાન પડી ગયો હોવાની જાણ હળવદ પોલીસને થતાં પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનની કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. જેમાં આ યુવાનની લાશને કેનાલમાંથી બહાર કાઢી પી.એમ. માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી છે બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલ ધવાણીયા દાદાના મંદિર પાસે રહેતા લાલાભાઇ ઠાકોરનો દીકરો રાહુલ (ઉંમર વર્ષ 20) આજે બપોરના સમયે મોરબી ચોકડી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં પડી ગયો હોવાની જાણ પોલીસને થઈ હતી. જેથી, પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનની કેનાલમાં શોધખોળ હાથ ધરતા યુવાનની લાશ મળી આવી છે. આ ઘટના બાદ હળવદ ટાઉનબીટ જમાદાર ભરતભાઈ રબારી સહિતનો પોલીસ સ્ટાફ યુવાનની લાશને પી.એમ. માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી યુવાનનું અકસ્માતે કેનાલમાં પડી જવાથી મોત થયું છે કે આત્મહત્યા કરી છે તે સહિતની બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.