સિક્યુરિટી કોન્ટ્રાકટ ગાંધીનગરની પેઢીને : સાફસફાઈનો કોન્ટ્રાકટ રાજકોટની પેઢીને અપાયો મોરબી : મોરબી જિલ્લા સેવા સદન સંકુલ ખાતે નવી જિલ્લા પંચાયત કચેરી કાર્યાન્વિત થતાની સાથે જ કચેરીમાં સાફસફાઈ અને સુરક્ષા વ્યવસ્થા માટે રૂપિયા 21 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે અને સુરક્ષા ગાર્ડથી લઈ લિફ્ટમેન, હેલ્પર, અને 12 સફાઈ કર્મચારીઓને કચેરીની જાળવણી માટે બે ખાનગી પેઢીઓને જવાબદારી સોંપવામાં આવી છે. મોરબીમાં સો ઓરડી નજીક કાર્યાન્વિત થયેલ જિલ્લા પંચાયત કચેરીમાં સિક્યોરિટી અને હાઉસ કીપિંગ માટે ટેન્ડર આમન્ત્રિત કરાયા બાદ 39.99 ટકા ડાઉન ભાવ સાથે 10 સિક્યોરિટી ગાર્ડ માટે રૂપિયા 13.15 લાખનો ભાવ ભરનાર જય સચિયય માં પેઢીને રૂ.7.89 લાખ પ્રતી વર્ષના ભાવે સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે. વધુમાં જિલ્લા પંચાયતના સંકુલને ચોખ્ખું ચણાક રાખવા હાઉસ કીપીંગ અને લિફ્ટમેન પુરા પાડવાના કામ માટે 18.50લાખનું ટેન્ડર ભરનાર રાજકોટની રોયલ સિક્યોરિટી સર્વિસને 20 ટકા ડાઉન ભાવ સાથે 14.80 લાખમાં 12 સફાઈ કર્મી, 4 લિફ્ટમેન, 1 ફાયરમેન અને એક હેલ્પર રાખવાની શરતે ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે બન્ને મલાઈદાર કોન્ટ્રાકટ મેળવવા પંચાયતના હોદેદાર દ્વારા પણ પ્રયાસો થયા હોવાનું જાણવા મળે છે.