મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં મારામારીની ઘટનામાં બે ભાઈ સહિત 8 સામે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં ગતરાત્રે કોઈ બાબતે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા બે ભાઈ સહિત આઠ શખ્સોએ યુવાન ઉપર ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. આથી ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં યુવાને બે ભાઈ સહિત 8 શખ્સો સામે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારામારીની ઘટનાની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ મહાવીરનગરમાં રહેતા જયેશભાઇ મોતીભાઈ નકુમ (ઉ.વ.22) નામના યુવાને આરોપીઓ તુલસીભાઈ હસમુખભાઈ શંખેસરિયા અને તેના ભાઈ અભય હસમુખભાઈ શંખેસરિયા તેમજ 6 અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગતરાત્રે ફરિયાદી યુવાનને મોરબીના લાતીપ્લોટ શેરી નબર-1 પાસે કોઈ બાબતે એક આરોપી સાથે ઝઘડો થયો હતો. આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી યુવાન ઉપર લાકડાના ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. તેમજ આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં ઇજા થતાં યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં યુવાને આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.