ચાઈલ્ડ હેલ્પલાઇનની ટીમ અને સ્થાનિકો યુવાનોનું સરાહનીય કાર્ય મોરબી : મોરબીના સામાકાંઠે ભડિયાદ કાંટા પાસેથી ગઈકાલે પરિવારથી વિખૂટી પડેલી એક બાળકી મળી આવી હતી. આથી ચાઈલ્ડ હેલ્પલાઇનની ટીમ અને સ્થાનિક યુવાનોએ આ બાળકીના માવતરની શોધખોળ કરવા અથાક પ્રયાસો કર્યા હતા અને આ પ્રયાસો આખરે ફળ્યા હતા. બાળકીના માવતરની ભાળ મળી જતા ફરીથી બાળકીનો તેના માતાપિતા સાથે મિલાપ કરાવવામાં આવ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે ભડિયાદ કાંટા પાસેથી જંગલેશ્વર વિસ્તારમાં એક ભૂલી પડેલી બાળકી મળી આવી હતી. આથી સ્થાનિકોએ આ બાળકીના માવતરને શોધી કાઢવા ભારે જહેમત ઉઠાવીને આ અંગે ચાઈલ્ડ હેલ્પલાઇનની ટીમ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી ચાઈલ્ડ હેલ્પલાઇનની ટીમે પણ શોધખોળ હાથ ધરી હતી. આથી બાળકીના માવતરનો પત્તો લાગી ગયો હતો. આ બાળકી પાયલ મોહનસિંગ નીનામા (ઉ.વ.8, રહે. મૂળ મધ્યપ્રદેશ અને હાલ ખંભાળિયા, ધ્રોલ) હોવાની ઓળખ મળી હતી. આ બાળકી અહીં મામાના ઘરે આવ્યા બાદ ઘરેથી નીકળી જતા ભૂલી પડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની યોગ્ય ખરાઈ કરીને ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમની મદદથી એ બાળકીને સ્થાનિક યુવાનોએ તેના માતાપિતાને સોંપી હતી.