મોરબી-નવલખી હાઇવે ઉપર ખાખરાળા ગામે બનેલી ઘટનામાં સદભાગ્યે જાનહાની ટળી મોરબી : મોરબી-નવલખી હાઇવે ઉપર ખાખરાળા ગામે આજે પસાર થઈ રહેલા ટ્રકમાંથી પાછળનું એક ટાયર નીકળીને સીધું બાજુની પાનની દુકાનમાં ઘુસી જતા ઘડીભર ભાગદોડ મચી ગઇ હતી. આ ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ નથી. પણ ટ્રકનું ટાયર જોરદાર ગતિ સાથે પાનની દુકાનમાં ઘુસી જતા આ દુકાનની બાજુમાં આવેલ ટી સ્ટોલના ભુક્કા બોલી ગયા હતા. આ સમગ્ર ઘટના આજુબાજુના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિડિઓ લિંક: https://youtu.be/lTN42SLmAcY આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-નવલખી હાઇવે ઉપર ખાખરાળા ગામે આવેલ એક પાનની દુકાનમાં આજે સવારે આઠથી દસ લોકો બેઠા હતા. તે સમયે હાઇવે ઉપર એક હેવી ટ્રક પસાર થઈ રહ્યો હતો. આ ટ્રકના પાછળના ભાગનું ટાયર ઓચિંતા જ ટ્રકમાંથી નીકળીને રોડ પર દડદડતું આ પાનની દુકાનમાં ઘુસી ગયું છે. રોડ પર ચાલુ ટ્રકમાંથી ટાયર દુકાનમાં આવતું દેખાતા દુકાને બેઠાલા લોકો તુરતજ સલામત સ્થળે ખસી ગયા હતા. આથી, ટાયરે દુકાનમાં આવેલા ચાના સ્ટોલનો ભાંગીને ભુક્કો કરી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી-નવલખી હાઇવે ઉપર ઓવરલોડ હેવી વાહનોનો ભારે ત્રાસ છે. આથી સ્થાનિકોએ જાતે જ રોડ ઉપર બમ્પ બનાવ્યા હતા. જેથી આજે બમ્પને કારણે ટ્રકમાંથી નીકળેલા ટાયરની ગતિ ઓછી જોવા મળી હતી. આ બમ્પ ન હોત તો વધુ નુકસાન થવાની ભીતિ હતી. તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું.