મોરબી : મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરા વિસ્તારમાં બે દિવસ પહેલા અંગત અદાવત મામલે પાડોશીઓ વચ્ચે તકરાર થયા બાદ બઘદાટી બોલી ગઈ હતી. જેમાં ગઈકાલે એક પક્ષે ફરિયાદ નોંધાવ્યા બાદ આજે સામાંપક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. મોરબી બી ડિવિઝન પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળ ધાર ઉપર આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા હિતેષભાઇ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા (ઉ.વ ૨૧) એ આરોપીઓ તેજસ ઉર્ફે તેજલો મકવાણા, પુજાબેન (તેજસભાઇની બહેન), કોકીલાબેન (તેજસભાઇના માસી) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૭ ના રોજ આરોપીઓએ ફરીયાદી તથા સાહેદ સંજયભાઇ સાથે બોલાચાલી ઝધડો કરી ફરીયાદીને ગાળો આપી ઢીંકાપાટુનો માર મારી બાદમાં આરોપીઓએ સાથે મળી આવી ફરીયાદી તથા સાહેદ સંજયભાઇ તથા દુદાભાઇ ઉપર છુટ્ટા પથ્થર ના ઘા મારી તેમજ આરોપીઓએ ટાઇલ્સ ફરીયાદીને માથાના ભાગે કપાળે મારતા લોહીયાળ તેમજ ફ્રેકચરની ઇજા કરી તેમજ સાહેદ સંજયભાઇને હથેળીમાં લોહીયાળ ઇજા કરી જતા જતા ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી વધુ તપાસ હાથ ધરી છે.