મોરબી અને રાજકોટ ફાયર બ્રિગેડ વિભાગની સતત શોધખોળના અંતે મૃતદેહ મળ્યો : યુવતીની ઓળખ મળી મોરબી : મોરબી બાયપાસ ઉપર આર.ટી.ઓ. પુલ નજીક ગઈકાલે મચ્છુ-3 ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેનાર યુવતીની શોધવા મોરબી અને રાજકોટ ફાયર બ્રિગેડની ટીમોએ બોટ સાથે સર્ચ કર્યા બાદ આજે બપોરના સમયે આ યુવતીનો મૃતદેહ હાથ લાગ્યો છે. ડેમમાં ઝંપલાવનાર યુવતીની ઓળખ પણ મળી ગઈ છે અને પોલીસે હાલ અકસ્માતે મોત અંગે ગુન્હો નોંધી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે સાંજના સમયે બાયપાસ આર.ટી.ઓ. પુલ નજીક એક લાલ કલરનું ટીશર્ટ પહેરેલી યુવતીએ ડેમમાં ઝંપલાવ્યું હોવાનો મેસેજ મળતા મોરબી ફાયર બ્રિગેડના વસીમભાઈ, સલીમભાઈ, પાતાભાઈ અને દિનેશભાઇ સહિતની ટીમ દ્વારા રાત્રે જ યુવતીની શોધખોળ માટે પ્રયાસો કર્યા હતા પરંતુ અંધારાને કારણે સર્ચમાં મુશ્કેલી પડતા આજે સવારથી રાજકોટ ફાયર બ્રિગેડની મદદ સાથે બોટ દ્વારા યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને બપોરે અઢીથી ત્રણેક વાગ્યાના અરસામાં યુવતીનો મૃતદેહ શોધી કાઢવા આવ્યો હતો. દરમિયાન સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મૃતક યુવતીનું નામ બિપાશા હરેશભાઇ શાહ (ઉ.વ.19) અને સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક રહેતી હોવાનું બહાર આવ્યું છે. હાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા ઇન્કવેસ્ટ ભરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા તેમજ અકસ્માતે મૃત્યુ નોંધ કરી આપઘાતનું કારણ જાણવા તપાસ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.