કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા બે રીક્ષાચાલકો ઉપર તવાઈ મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં હવે સંક્રમણ ઘણું જ ઘટ્યું હોવાથી રાહત થયાની વચ્ચે પણ સાવચેતી ખાતર પોલીસે કોવિડ અંગેના જુદા-જુદા જાહેરનામાનો અમલ ચાલુ રાખી શુક્રવારે 24 કલાક દરમિયાન મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામાના ભંગ સબબ 19 સામે કાર્યવાહી કરી હતી. તેમજ કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા બે રીક્ષા ચાલકો ઉપર તવાઈ ઉતારી હતી. મોરબી જિલ્લામાં હવે કોરોના ખૂબ જ અંકુશમાં આવતા ખાસ કરીને આરટીસીપીઆર રિપોર્ટ મામલે કાર્યવાહીમાં ઓછી થઈ રહી છે.વેપારીઓને પડતા મૂકીને હવે રીક્ષા ચાલકોને નિશાન બનાવવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં એકમાત્ર ટંકારા તાલુકામાં માત્ર 2 રીક્ષાચાલકો સામે કોરોના ટેસ્ટ કે વિકસીન લીધા વગર ધંધો કરવા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે મોરબીમાં શુક્રવારે રાત્રી કફર્યુ દરમિયાન ખોટી રીતે આંટાફેરા કરતા એક રીક્ષા ચાલક સહિત પાંચ લોકો, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 2, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રીક્ષાચાલકો, માળીયામાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક રીક્ષાચાલક, વેપારના સ્થળે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા બે દુકાનદારો, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રીક્ષાચાલકો, હળવદમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક રીક્ષાચાલક અને એક બાઈકચાલક સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.