અનેક રજુઆતો કરવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા અંતે આપના હાથ જગન્નાથની ઉક્તિને સાર્થક કરી હાઇવે બ્લોક કરવાની ચીમકી મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવેના સર્વિસ રોડની અત્યંત ખરાબ દુર્દશા છે. ચોમાસામાં પહેલા સર્વિસ રોડના ખાડા બુરવા માટે સંબધિત તંત્રના સ્થાનિકોએ અનેક વખત કાન આમળ્યા હતા. તેમ છતાં હમ નહિ સુધરેગેની નીતિ તંત્રએ યથાવત રાખતા આખરે સ્થાનિકોને જાતે જ સર્વિસ રોડના ખાડા બુરવાની ફરજ પડી છે ત્યારે જો હવે હાઇવે ઓથોરિટી સત્વરે કામગીરી નહીં કરે તો હાઇવે બ્લોક કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે. મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર મોરબી નજીકના વિસ્તારના હાઇવેના સર્વિસ રોડ ઉપર એટલી હદે ખાડા પડી ગયા છે કે, વાહન તો ઠીક ચાલીને પણ નીકળી શકાય એમ નથી. ગયા વખતે ચોમાસામાં હાઈવેની બુરી દશા થઈ ગયા બાદ હજુ સુધી તંત્રએ હાઇવેને રીપેરીગ કરવાની કોઈ તસ્દી લીધી નથી. આથી, સ્થાનિક લોકોએ વખતોવખત તંત્રને અનેક રજુઆત કરી હતી. પણ હાલ ચોમાસુ બેસી ગયું હોવા છતાં તંત્રને હાઇવે ઉપરના ખાડા રીપેર કરવાનું સૂઝ્યું નથી. આથી, વરસાદ શરૂ થતાં જ વાહનચાલકોની કઠણાઈ શરૂ થઈ ગઈ હતી અને ભારે વાહનો પાણી ભરેલા ખાડા ઉપર હાલક ડોલક રીતે ચાલતા જોવા મળ્યા હતા. ઘણા સમયથી રજુઆત કરવા છતાં તંત્રએ દાદ ન દેતા અંતે સ્થાનિકોએ આજે નેશનલ હાઇવે સર્વિસ રોડ ઉપર નંદલાલ પેટ્રોલ પંપથી દરિયાલલ હોટલ સુધીના રોડ ઉપર પડેલા ખાડાને બુરવાનું કાર્ય હાથ ધર્યું હતું. અને સ્થાનિકો જાતે મોરમ નખાવીને ખાડાની મરમત્ત કરી હતી. પરંતુ આજે કામ શરૂ થયું ત્યારે વરસાદ ખાબક્યો હતો. આથી, વરસાદનું વિઘ્ન નડતા અમુક જગ્યાએ મટીરીયલનું ધોવાણ થયું હતું. આથી, આ મુદ્દે હજુ તંત્રની ઉંઘ નહિ ઉડે તો પરિસ્થિતિ ગંભીર બનશે અને હાઇવેને બ્લોક કરી દેવાની સ્થાનિકોએ ચીમકી આપી છે.