ટાઇલ્સનો જથ્થો મંગાવીને બિલ નહિ ચૂકવતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીમાં વધુ એક સીરામીક વેપારી સાથે ઠગાઈ થયાનો બનાવ બહાર આવ્યો છે. જેમાં સીરામીક વેપારી પાસેથી બે શખ્સોએ જે તે વખતે ટાઇલ્સનો માલ મંગાવ્યા બાદ પોત પ્રકાશયું હતું અને બન્ને શખ્સોએ બીલની રકમ નહિ ચૂકવીને માલ ઓળવી ગયાનું સામે આવતા સીરામીક વેપારીએ બન્ને શખ્સો સામે ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ ફલોરા હાઉસના બ્લોક નં.૪૯ માં રહેતા સીરામીક વેપારી કાલીદાસભાઇ ઉર્ફે કારૂભાઇ જાદવજીભાઇ માકાસણા (ઉ.વ.૩૪) એ આરોપીઓ જગદીશભાઇ જોગાણી તથા નિલેશભાઇ સાવલીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧/૦૯/૨૦૧૯ થી આજદીન સુધી પીપળી ગામની સીમમાં આવેલ સેફોન સિરામીક ખાતે બનેલા આ બનાવમાં ફરીયાદીને સેફોન સિરામીક આવેલ હોય અને પોતે ટાઇલ્સનો વેપાર ધંધો કરતા હોય જેની આરોપીઓએ આર્થિક લાભ મેળવવાના હેતુથી એકસંપ કરી કોઇપણ રીતે સિરામીક બાબતે માહિતી મેળવી ફોન કરી ફરીયાદીને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી ટાઇલ્સના કૂલ બોક્ષ નંગ-૧૭૫૦ કિં.રૂ. ૪,૧૩,૮૨૬ મંગાવી જે ટાઇલ્સના બીલની રકમ ન આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધીને તાલુકા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. જો કે આ બનાવની મોડી ફરિયાદ નોંધાતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા છે.