ચોમાસાના આગમન સમયે જ તંત્રની ઘોર લાપરવાહીથી સ્થાનિકોમાં રોષ મોરબી : મોરબી શહેરમાં વોર્ડ નંબર 9માં આવેલ શ્રીકુંજ સોસાયટી વિસ્તારમાં તંત્ર દ્વારા રોડ પર ખાડા ખોદીને રાખી દેવામાં આવ્યા છે. હવે ચોમાસુ શરૂ થઈ રહ્યું છે. ત્યારે વરસાદી પાણી તેમાં ભરાઈ રહેશે. અને કાદવ-કીચડથી રોડ ગંદકીથી ભરાઈ જશે. તંત્રની આવી બેદરકારીના લીધે સ્થાનિકોમાં તંત્ર માટે આક્રોશ જોવા મળ્યો છે. રહીશોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે વોર્ડ નં. 9માં કન્યા છાત્રાલય રોડ પર શ્રી કુંજ સોસાયટી વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી કામ ચાલુ છે. સતાધીશ તંત્રના પેટનુ પાણી હલતુ નથી. પાછું માથે ચોમાસુ છે તો ગારા અને કીચડને કારણે વિસ્તારના લોકો ઘરની બહાર નિકળતા ત્રાહિમામ પોકારી ગયા છે. વારંવાર રજૂઆત કરવા છતા નગરપાલિકાના રેઢિયાળ તંત્રના પેટનું પાણી ન હલતા વિસ્તારના લોકો પૂછે છે કે અમે મોરબી નગરપાલિકાની હદમાં છીએ કે નહીં? મોરબી નગરપાલિકાના બેશરમ સતાધીશો જવાબ આપશે ખરા? મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 9માં આવેલ કન્યા છાત્રાલય રોડ ઉપર છેલ્લા 2 મહિનાથી ખોદેલા ખાડા બુરવાનુ સતાધીશ તંત્રના ધ્યાન નથી આવતુ અને હાલ ચોમાસુ બેસી ગયું છે. ત્યારે આ વિસ્તારની પબ્લિક હેરાન પરેશાન છે. આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા વોર્ડ નંબર 9 આવતા સ્થાનિક વિસ્તારોમાં રોડ, રસ્તા, ગટર, પાણી, લાઈટ જેવા લોકોની જીવાદોરી સમાન સુવિધાઓ વ ભાજપના સ્થાનિક આગેવાન તરીકે ભાજપ નગરપાલિકાના સતાધીશોને વારંવાર રજૂઆતો કરવા છતા સમસ્યા હલ થઈ નથી. ચોમાસાની સીઝનમાં આ વિસ્તારમાં રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે એની ખબર જ પડતી નથી. તેને કારણે અવારનવાર અકસ્માતો થાય છે. યોગ્ય સંકલનના અભાવે અને સતાધીશોની અણઆવડતને લીધે નવા બનાવેલા રસ્તાઓ તોડવા પડે છે. અને ફરી રિપેર કરવાની તંત્ર તસ્દી લેતું નથી. જીવન જરૂરી સુવિધાઓના સ્થાનિક પ્રશ્નોને લઈને નગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સુતુ છે અને ભાજપના પદાધિકારીઓ નિર્માલ્ય પુરવાર થયેલ છે. આમ, રહેવાસીઓએ આ રીતે રોષ વ્યક્ત કરીને તાકીદે ખાડાઓ બુરવાની પાલિકાને માંગ કરી છે.