નેપાળી ચોકીદારના ત્રણ વર્ષના બાળકને શોધવા કેનાલમાં પાણીનો પ્રવાહ રોકવામાં આવ્યો મોરબી : મોરબી શહેરના રવાપર રોડ ચોકડી નજીક અંદાજે ત્રણેક વર્ષનો બાળક બપોરે બારેક વાગ્યાના અરસામાં રમતા-રમતા કેનાલમાં ડૂબી ગયો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. કેનાલમાં ડૂબેલા બાળકને શોધવા રવાપર ચોકડીથી અવની ચોકડી સુધી સ્થાનિક લોકો દ્વારા પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ બાળકનો પતો ન લગતા અંતે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. જો કે હજુ સુધી બાળકનો પતો લાગ્યો નથી. જાણવા મળતી વિગતો મુજબ મોરબી રવાપર ચોકડી નજીક બિલ્ડિંગમાં ચોકીદાર તરીકે કામ કરતા કમલભાઈ વિશ્વકર્માનો ત્રણ વર્ષનો રોહિત નામનો પુત્ર રમતા-રમતા કેનાલમાં ડૂબી ગયો હતો. આ સમયે સ્થાનિક લોકોની મદદથી બાળકને શોધવા પ્રયાસ કરાયો હતો. પરંતુ સફળતા ન મળતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. જો કે કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી હાલમાં પાણી બંધ કરાવી રવાપર ચોકડીથી અવની ચોકડી સુધી શોધખોળ કરવા છતાં માસુમ બાળકનો પતો લાગ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.