પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી વાંકાનેર : વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલ મહત્વપૂર્ણ જગ્યાઓ ભરવા માટે શિવસેના વાંકાનેર દ્વારા રજુઆત કરવામાં આવી છે. વાંકાનેર સિવિલ હોસ્પિટલ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે એક માત્ર સુવિધા છે. છતાં સરકારી તંત્ર દ્વારા વર્ષોથી મહત્વપૂર્ણ જગ્યાઓ ભરવામાં આવી ન હોવાનું આરટીઆઇ હેઠળ કરાયેલ અરજીમાં બહાર આવતા શિવસેના દ્વારા ખાલી જગ્યાઓ સત્વરે ભરવાની માંગ સાથે પ્રાંત અધિકારી વાંકાનેરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વાંકાનેર હોસ્પિટલમાં કલાસ-૧ અધિકારીઓની કુલ જગ્યા ૭ છે. જેમાં ૫ જગ્યા ખાલી છે. એ જ રીતે સ્ત્રી રોગ નિષ્ણાંતની જગ્યા મંજુર થઈ ત્યારથી ખાલી પડી હોવાનું પણ બહાર આવ્યું છે. ઉપરાંત, બાળ નિષ્ણાંત વર્ગ-૧, જનરલ સર્જન વર્ગ-૧, એનેસ્થેટીક વર્ગ-૧ ની જગ્યાઓ પણ ખાલી છે. જ્યાંરે વર્ગ-૨ ની કુલ ૫ જગ્યામાંથી વહીવટી અધિકારી કલાસ-૨ ની એક જગ્યા ખાલી પડેલી છે. ઉપરાંત વર્ગ-૩ ની કુલ જગ્યા ૩૧ છે જેની સામે ખાલી જગ્યા ૧૬ છે. તેમજ કલાસ-૪ ની કુલ ૨૦ જગ્યા છે જેની સામે ૧૫ જગ્યા ખાલી પડી છે. તેવી જ રીતે પી.પી. યુનિટ વિભાગમાં કલાસ ૧ થી લઈને કલાસ-૪ સુધીની કુલ જગ્યા ૧૦ છે જેની સામે ૮ જગ્યા ખાલી પડી હોવાનું આરટીઆઇમાં બહાર આવ્યું છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા જનારોગ્યની ચિંતા કરી ખાલી રહેલ તમામે તમામ જગ્યાઓ સત્વરે ભરવા માંગ કરવામાં આવી છે. આ રજુઆત સમયે વાંકાનેર શિવસેના પ્રમુખ મયુર ઠાકોર, શહેર પ્રમુખ મેહુલ ઠાકોર, વાઘજીભાઈ પનારા, રૂખડભાઈ માણસૂરિયા, ભરતભાઈ રાણા, ડાયાભાઈ વીંજવાડિયા, ભગવાનજીભાઈ પરમાર, ચેતનભાઈ, નીતિનભાઈ, ભીખાભાઈ, રાજુભાઇ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા અને વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું.