ટંકારા અને વાંકાનેરમાં છાંટા : હળવદમાં વરસાદને કારણે યાર્ડમાં 2500 મણ મગફળી પલળી ગઈ મોરબી : મોરબી જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હોવાનું જાણવા મળ્યું છે. હળવદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે ટંકારા અને વાંકાનેરમાં છાંટા પડ્યા હતા. મોરબી પંથકમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવી ગયો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન ફૂંકાયો હતો. જ્યારે ટંકારા પંથકની વિગતો આપતા પત્રકાર જયેશભાઈ ભટ્ટાસણાએ જણાવ્યું કે ત્યાં હળવા છાટા આવ્યા હતા. હાલ વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે અને ઠંડક પ્રસરી ગઈ છે. વાંકાનેરની વિગતો આપતા પત્રકાર હરદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે ત્યાં પણ છાંટા પડયા હતા. હાલ વાદળછાયું વાતાવરણ છે. હળવદની વિગતો આપતા પત્રકાર મેહુલભાઈ ભરવાડે જણાવ્યું કે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે યાર્ડમાં પડેલી 2500 મણ મગફળી પલળી ગઈ છે. માળિયાની વિગતો આપતા પત્રકાર કાસમભાઈ સુમરાએ જણાવ્યું કે ત્યાં માત્ર વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદ પડ્યો નથી.