યાર્ડમાં મગફળીનો તોલ થાય તે પૂર્વે જ અચાનક વાદળું વરસતા મગફળી, જીરું ધાણા તણાયા હળવદ : હળવદમાં આજે બપોરે અચાનક વાદળું વરસતા માર્કેટિંગ યાર્ડમાં જણસી વેચવા આવેલા અનેક ખેડૂતોને આર્થિક થપાટ લાગી છે. પંદરથી વીસ મિનિટ સુધી જોરદાર ઝાપટું વરસતા ખેડૂતોનો માલ રીતસર પાણીમાં તરવા લાગ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરે પોણા ત્રણેક વાગ્યાના અરસામાં ભારે ઉકળાટ વચ્ચે હળવદમાં જોરદાર વરસાદી ઝાપટું વરસતા ચોતરફ પાણી - પાણી થઈ ગયું હતું અને માર્કેટિંગ યાર્ડમાં જણસ વેચવા આવેલા ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો. વધુમાં હળવદ માર્કેટિંગ યાર્ડમાં પતરાના શેડ પણ આવેલા છે પરંતુ ખેડૂતોની મગફળી, ધાણા અને જીરૂની ખુલ્લામાં હરરાજી થયા બાદ તોલ કરવાનો બાકી હતો તેવા સમયે જ વરસાદ ત્રાટકતા ખુલ્લામાં પડેલ મગફળી, જીરું અને ધાણા રીતસર પાણીમાં તરવા લાગ્યા હતા અને આ નુકશાન ખેડૂતોના શિરે આવ્યું હોવાનું જાણવા મળે છે.