મોરબીની સિરામિક ફેક્ટરી સાથે છેતરપિંડી કરવી નાગપુરના વેપારીને ભારે પડી : એક વર્ષની કેદની સજા મોરબી : મોરબીની જાણીતી સિરામિક ફેકટરીમાંથી માલ ખરીદી બદલામાં આપેલ ચેક રિટર્ન થતા નામદાર અદાલતે નાગપુરના વેપારીને વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે બમણી રકમ ચૂકવવાની સાથે એક વર્ષની કેદની સજા ફટકારવા હુકમ કર્યો છે અને ચુકાદા સમયે આરોપી હાજર ન રહેતા બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવાની સાથે જામીન પડનાર પાસેથી રિકવરીના આદેશ આપતો ચુકાદો આપ્યો છે. આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2018માં મોરબીની સેગમ ટાઇલ્સના ડિરેકટર કમલેશભાઈ રાજકોટિયાને નાગપુરની શ્રીરામ ટાઇલ્સના પ્રોપરાઈટર રામપ્રકાશ બારપાત્રએ રૂપિયા 5 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતા નામદાર અદાલત સમક્ષ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ મોરબીના ચીફ જ્યુડીશયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા નામદાર અદાલતે આરોપી નાગપુરના વેપારીને રૂપિયા ચેક રિટર્ન કેસમાં તકસીરવાન ઠેરવી રૂપિયા 5 લાખના ચેક સામે ડબલ રકમ એટલે કે રૂ.10 લાખ વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાની સાથે એક વર્ષની સાદી કેદ ઉપરાંત નાણાં ચુકવવામાં કસૂર થયે વધુ 90 દિવસની સજાનો હુકમ કર્યો છે. નામદાર અદાલતમાં ચુકાદા સમયે આરોપી હાજર ન રહેતા કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કરવાની સાથે જામીન પડનાર વિરુદ્ધ પણ રિકવરી વોરંટ કાઢી રેવન્યુ રાહે બોજા એન્ટ્રી નાખવા આદેશ કર્યો હતો, આ કેસમાં ફરિયાદ પક્ષે એડવોકેટ પી.ડી.માનસેતા રોકાયેલ હતા.