બિસ્માર રોડને તાકીદે રીપેરીંગ કરવા જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેનને રજુઆત મોરબી : મોરબીથી ટંકારાના સજ્જનપર અને જડેશ્વર મંદિર સુધીનો માર્ગ લાંબા સમયથી ભંગારમાં ફેરવાયેલો છે. આ માર્ગની જોખમી હાલત હોવાથી લોકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. આથી, આ કમરતોડ રોડનું યોગ્ય રીપેરીંગ કરવા જાગૃત નાગરિકે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેનને રજુઆત કરી છે. ટંકારાના સજ્જનપર ગામે રહેતા સાગરભાઈ કોરડીયાએ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેનને લેખિતમાં રજુઆત કરી હતી કે, ટંકારા તાલુકાના સજ્જનપર ગામ અને મોરબીના રવાપર ગામથી જડેશ્વર મંદિર સુધીનો માર્ગ ઘણા સમયથી અતિશય બિસમાર હાલતમાં છે. આ રોડ એટલી હદે ભંગારમાં ફેરવાયો છે કે, રોડ ઉપર પસાર થતી વખતે લોકોને જીવનું જોખમ રહે છે. ખાસ કરીને આ રોડ ઉપર દૈનિક અપડાઉન કરતા લોકો ઉપર અકસ્માતનું જોખમ રહેલું છે. આથી આ ગંભીર બાબત ધ્યાને લઈને વહેલી તકે આ રોડનું યોગ્ય રીતે રીપેરીગ કામ કરવાની તેઓએ માગણી ઉઠાવી છે.