મોરબી : મોરબી જિલ્લાના માળીયા (મી.) તાલુકાના સરવડ ગામના રહેવાસી અને ભીખુભાઇ વ્યાસ તરીકે પ્રખ્યાત ભવાઈ કલાકાર ભીખાલાલ દેવશંકર અગોલાનું ગત તા. 13 જૂનના રોજ 75 વર્ષની વયે નિધન થતા કલા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. ભીખુભાઇ વ્યાસને પિતા દેવશંકરભાઇ, કાકા મણિલાલભાઈ તેમજ દાદા હીરજીભાઇ અને કેશવજીભાઇના ભવાઈની કલાના ગુણો જન્મજાત વારસામાં મળેલ હોય, આથી તેમને બાળપણથી જ ભવાઇ પ્રત્યે અપાર શોખ અને લગાવ હતો. મણીભાઈ પાસેથી તેમણે ભવાઈની તાલીમ મેળવી હતી. તેમજ તેઓ આશરે એકસો તેર વર્ષ જુની અને અનેક એવોર્ડ મેળવી ચૂકેલી લોક ભવાઇ નાટ્ય સંસ્થા હીરજી કેશવજી સરવડ-ભવાઇ મંડળના મુખ્ય કલાકાર હતા. તેમણે ગુજરાત રાજ્ય સહીત દેશની વિવિધ રાજ્ય સરકાર તેમજ અનેક સંસ્થાઓના વડા, સંતો-મહંતો, ઉદ્યોગપતિઓ તેમજ અગ્રગણ્ય રાજકીય મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. ભીખુભાઇ વ્યાસ, સ્ત્રી પાઠ તેમજ પુરુષ પાઠના ઉત્તમ કલાકાર, એક સારા ગાયક હોવાની સાથે હાર્મોનિયમ, તબલા, પખવાઝ અને સંગીતના તમામ વાજિંત્રો પર પણ સારુ એવુ પ્રભુત્વ ધરાવતાં હતા. લોક ભવાઇની જુની કલા છત્તર મોતીના નખતામાં ભીખુભાઇ માસ્ટરી ધરાવતા હતા. હીરજી કેશવજી સરવડ ભવાઇ મંડળમાં નાયક તરીકે વર્ષો સુધી જવાબદારી નિભાવી ચૂકેલા ભીખુભાઇ વ્યાસ ભવાઇ કલાના ઓલ રાઉન્ડર કલાકાર અને આધાર સ્થંભ કલાકાર હતા. જેમનું અવસાન થતાં ભવાઇ કલાને કદી ન પુરાય તેવી ખોટ પડી છે. વર્ષો સુધી સંસ્થાની કમાન ભીખુભાઇ અને તેમના ભાઇ ભરતભાઇ દ્વારા સંભાળવામાં આવતી હતી. જેમાં આજ ભીખુભાઇ રૂપી એક ભુજા તૂટી પડતા લુપ્ત થતી ભવાઇ પરંપરાની જવાબદારી ભરતભાઇના શિરે આવી પડી છે. એક પ્રખર કલાકાર, અડીખમ યોદ્ધા, નિષ્ઠાવાન નાયક, જુની કલાના કામણગાર, ભવાઇના આધાર સ્તંભ, સંગીત શ્રેષ્ઠી, લોક હૃદયમાં સ્થાન મેળવી દુનિયાને અલવિદા કહેનાર લોક ભવાઇ કલાકાર ભીખુભાઇ વ્યાસનું નામ હંમેશા અમર રહેશે. હીરજી કેશવજી સરવડ ભવાઇ મંડળ હીરજી કેશવજી સરવડ ભવાઇ મંડળ એ સમગ્ર મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનુ અને સરવડ ગામનુ નામ દેશ અને દુનિયામાં ઉજાગર કરી અને ગૌરવ વધાર્યું છે. મંડળએ અનેક કીર્તિ સ્તંભ સમાન પ્રોગ્રામો રજુ કરી અનેક એવોર્ડ અને સન્માન મેળવ્યા છે. મંડળના કલાકારો લોક કલા ફાઉન્ડેશન ગાંધીનગર, જોરાવરસિંહ જાદવ બાપુ અને આઇ.એન.ટી.ના મનસુખભાઇ જોષી અને નલીનીબેન ઉપાધ્યાયના સહયોગથી ઈરાન, લંડન, અમેરિકા, સિરાઝ, વેસ્ટ ઇન્ડિઝ, સુરિનામ જેવા અનેક દેશોમાં કલા પીરસી બહુમાન મેળવી ચુક્યા છે. ગુજરાત રાજ્ય માજી મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના હસ્તે નાયક મણીભાઈનુ સન્માન અને ગુજરાત સરકાર તરફથી ગૌરવ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા છે. દિલ્હીમાં તે સમયના વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં યોજાયેલા અપના ઉત્સવ કાર્યક્રમમાં ભાગ લઇ સન્માનીત કરવામાં આવેલ હતા. તેમજ મધ્ય પ્રદેશ તુલસી મહોત્સવમાં 50,000 રોકડ પુરસ્કાર અને સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ હતા. તેમ યાદીમાં જણાવાયું છે.