અનેક હોસ્પિટલ જ્યા આવેલી છે ત્યાં જ કચરાના ઢગલાથી જનારોગ્ય ઉપર ખતરો મોરબી : મોરબી નગર પાલિકાના આરામપ્રિય સોલિડ વેસ્ટ વિભાગની ઘોર બેદરકારીને કારણે શનાળા રોડ ઉપર હોસ્પિટલ હબ સમાન પૃથ્વીરાજ પ્લોટમાં કચરાના ગંજ ખડકાયા છે અને લોકો ગંદકીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પૃથ્વીરાજ પ્લોટ વિસ્તારમાં પાલિકાએ જ્યાં કચરો ફેંકવાની મનાઈ દર્શાવતું બોર્ડ લગાવ્યું છે ત્યાં જ મસમોટો ઉકરડો ઉભરાઈ રહ્યો છે અને સોલિડ વેસ્ટ વિભાગ કે કચરો ઉપાડવાની કામગીરી કરતા કોન્ટ્રાકટર દ્વારા અહીંથી કચરો ઉપાડવામાં ન આવતો હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે પૃથ્વીરાજ પ્લોટમાં નાની મોટી હોસ્પિટલો આવેલી હોય આ કચરા અને ગંદકીના કારણે લોકોની આરોગ્ય સુખાકારી પણ જોખમાય છે અને આ મામલે અનેક વખત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં લોકોની ફરિયાદ છતાં પગલાં ન લેવાતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.