લીલાપરથી મોરબી તરફ જતા રોડ ઉપર બનેલી ઘટનામાં બોલેરો કારચાલક સામે ફરિયાદ નોંધાઈ મોરબી : લીલાપરથી મોરબી તરફ જતા રોડ ઉપર બોલેરો કારચાલકે બાઇકને હડફેટે લઈને બાઈકચાલકને ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે બાઈકચાલકે બોલેરો ગાડીના ચાલક સામે અકસ્માત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપરમાં આવેલ પ્રકાશનગરમાં રહેતા જયંતિભાઇ છગનભાઇ મકવાણા (ઉ.વ.૫૮) એ બોલેરો પીકઅપ ગાડી નં. GJ-36-T 4836 નો ચાલક ભરતભાઇ મેશુરભાઈ સોઢીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા-૧૪ ના રોજ સાંજના સાડા પાંચ છ વાગ્યાના અરસામા લીલાપરથી મોરબી તરફ જતા રોડ ઉપર આરોપીએ પોતાના હવાલાવાળી બોલેરો પીકઅપ ગાડીને પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આગળ જતા ફરીયાદીના એક્સલ-૧૦૦ મો.સા. નં. GJ-36-P-9232 ના પાછળના ભાગે ભટકાડી એક્સીડન્ટ કરી ફરીયાદીને ખભાના ભાગે તથા કમરના પાછળના ભાગે મુંઢ ઇજા કરી ફરીયાદીને ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધી પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.