ચોમાસા પૂર્વે જિલ્લાની 20,100 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર મોરબી : મોરબી જિલ્લા માટે સારા સમાચાર સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો કપાસના આગોતરા વાવેતરમાં અગ્રેસર રહ્યો છે. ચોમાસા પૂર્વે જ મોરબી જિલ્લાની 20,100 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે. એટલે આ વર્ષે કપાસનો પાક વિપુલ પ્રમાણમાં વહેલાસર ઉતરશે. સિંચાઇની સારી સુવિધાઓ હોવાથી મોરબી જિલ્લામાં આ વખતે કપાસના આગોતરા વાવેતર એટલે કે ચોમાસા પહેલા થતા વાવેતરમાં વધારો નોંધાયો છે. ગુજરાત રાજ્યના કૃષિ વિભાગે જાહેર કરેલા તાજા આંકડા પ્રમાણે તા.14 જુન સુધીમાં રાજ્યમાં કુલ 99,382 હેકટર જમીનમાં કપાસનું વાવેતર નોંધાયુ છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનના 11 જિલ્લાઓમાં કુલ 61,900 હેક્ટરમાં કપાસનું વાવેતર સરકારી ચોપડે નોંધાયુ છે. જેમાં મોરબી જિલ્લો 20,100 હેક્ટર વાવેતર સાથે કપાસના આગોતરા વાવેતરમાં હાલ સમગ્ર રાજ્યમાં અગ્રેસર છે. આ બાદ રાજકોટમાં 18700, સુરેન્દ્રનગરમાં 12800 હેક્ટરમાં કપાસનું આગોતરૂ વાવેતર નોંધાયુ છે. જ્યારે ઉત્તર ગુજરાત ઝોનના છ જિલ્લામાં કુલ 18600 હેક્ટરમાં કપાસનું વાવેતર હાલની સ્થિતિએ થઇ ગયુ હોવાનું ચિત્ર સરકારી આંકડા રજુ કરી રહ્યા છે.