બીયારણ તથા ખાતર ખેતરમાં વવાઈ ગયું હોવાથી પિયતની તાતી જરૂર સમયે જ ધાંધિયા માળીયા (મી.) : નર્મદા કેનાલની માળીયા (મી.)-ધ્રાંગધ્રા બ્રાન્ચમાં તાત્કાલીક પાણી આપવા બાબતે ગુજરાત કિશાન સંગઠનના માળીયા (મી.) તાલુકા પ્રમુખ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવ્યા મુજબ હાલ કપાસની પિયત સીઝન ચાલી રહી હોય અને ખેડુતોએ મોંઘા ભાવના બિયારણ ખેતરમાં વાવેલ હોય. આથી, હાલ તાત્કાલીક પિયતની જરૂર હોય એવા સમયે હાલ માળીયા-ધ્રાંગધ્રા કેનાલમાં પાણી બંધ થઇ ગયુ છે. ત્યારે ખેડૂતોને મોંઘા ભાવના બિયારણ તથા ખાતરનું ખૂબ મોટા પ્રમાણમાં નુકશાન થાય તેવી ભીતિ છે. આ કેનાલના કમાન્ડ એરીયાની અંદર આવતા ધ્રાંગધ્રાથી માળીયા-ખીરઇ સુધીના તમામ ગામોના ખેડૂતોએ કરોડો રૂપિયાનું બીયારણ તથા ખાતર પોતાના ખેતરમાં હાલ વાવી દીધું હોય ત્યારે મોટું નુકશાન ઉઠાવવું પડે તેવી પરીસ્થિતી છે. ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી આફતનો સામનો કરી રહયા છે અને હાલની પરિસ્થિતિમાં આ નર્મદા કેનાલનું પાણી બંધ થતાં માનવ સર્જિત આફતથી ખેડૂતો બચી શકે અને મોટા નુકશાન ભોગવવાનો વારો ન આવે એ માટે આ કેનાલનાં તાત્કાલિક ધોરણે પાણી છોડાવીને ખેડૂતોને મોટી આફતમાંથી બચાવવા યોગ્ય પગલા લેવા વિનંતી કરાઈ છે.