મોરબીના નાનીવાવડી ગામની ઘટનામાં ત્રણ શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના નાની વાવડી ગામે ઘરની દીવાલ ઉપર રાખેલું તગારુ પવનને કારણે પડી જવાથી કેમ પાણા કરો છો તેમ કહીને પાડોશીઓએ યુવાન અને તેના પરિવાર ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને તેના પાડોશમાં રહેતા ત્રણ શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે ખોડીયાર ડેરીની સામે આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા કૃણાલભાઈ ઉપેન્દ્રભાઈ ગોવાણી (ઉ.વ.30) એ તેમની પાડોશમાં રહેતા ઉપેન્દ્રભાઈ જોષી, લતાબેન ઉપેન્દ્રભાઈ જોષી, ગૌરવભાઈ ઉપેન્દ્રભાઈ જોષી સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.12 ના રોજ રાત્રીના બે વાગ્યાના સુમારે ગાયત્રીનગર સોસાયટી નાની વાવડી ગામે ફરીયાદીના પિતાના મિત્ર મનીષભાઈ જોષી બિમાર હોય જેથી ફરીયાદી તથા સાહેદ આરોપીના ઘર પાસે રાત્રીના સમયે બેઠેલ હોય આરોપીના ઘરની દીવાલ ઉપર તગારૂ રાખેલ હોય જે પવનના કારણે પડતા આરોપીઓએ ઘરમાથી બહાર આવી ફરીયાદીને કહેલ કે કેમ પાણાના ઘા કરો છો તેમ કહી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદ સાથે ઝગડો, બોલાચાલી તથા ગાળાગાળી કરી તેમજ પાઇપ વડે ફરીયાદીને જમણા હાથે તથા જમણી આંખની બાજુમા ફેક્ચર જેવી ઈજા કરી તથા સાહેદ હિતેષભાઈને મુંઢ ઈજા કરી તેમજ ફરીયાદીના પિતાને માથાના ભાગે પાઈપ વડે ઈજા કરી હતી. આ બનાવની ફરિયાદ પરથી વધુ તપાસ મોરબી તાલુકા પો.સ્ટે. પો.સબ.ઈન્સ. ડી.વી.ડાંગર ચલાવી રહ્યા છે.