આગોતરા વાવેતર કરનાર ખેડૂતોને બીજા પાણ માટે પાણીની તાતી જરૂરિયાત : ખાખરેચી જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત મોરબી : મોરબી જિલ્લામાં નર્મદા કેનાલની માળિયા, ધ્રાંગધ્રા, અને મોરબી બ્રાન્ચના કેનાલનો લાભ લેતા ખેડૂતોને આગોતરા વાવેતર માટે પાણીની તાતી જરૂરિયાત સમયે જ પાણી મળતું ન હોય તાકીદે પાણી મળી તેવી વ્યવસ્થા ગોઠવવા જિલ્લા પંચાયતના ખાંખરેચી બેઠકના સદસ્યએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે. મોરબી જિલ્લા પંચાયતની ખાખરેચી બેઠકના સદસ્ય મહેશભાઈ પારજીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત પત્ર પાઠવી મોરબી જિલ્લામાં નર્મદા કેનાલના કમાન્ડ વિસ્તારના ખેડૂતોની સ્થિતિ અંગે વાકેફ કર્યા છે. જેમાં જણાવાયું છે કે ખેડૂતો દ્વારા હાલમાં ચોમાસુ સિઝનનું આગોતરું વાવેતર કરેલ છે. ઘણા ખેડુતોને પહેલું પાણી તો ઘણા ખેડૂતોને બીજું પાણી પાવાનું ચાલે છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો તેમજ ખાતર નાખીને વાવેતર કરેલ છે. પરંતુ હાલમાં મોરબી, માળીયા અને ધ્રાંગધ્રા ત્રણેય બ્રાન્ચના છેવાડાના 10-10 ગામોને પાણી મળતું નથી. જેના કારણે આ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને ચિંતાતુર થયા છે. જો ખેડૂતોને પાણી નહી મળે તો આગોતરું વાવેતર કરી બીજા પાણ પાવાનો ઇન્તજાર કરતા ખેડૂતોનું વાવેતર નાશ પામશે અને પહેલા પાણ જેને બાકી છે તેના મોંઘા ભાવના બિયારણો અને ખાતર નાશ પામશે. સાથે વિનંતી કરવામાં આવી છે કે ખેડૂતોને તાત્કાલિક પાણી મળી રહે. જો આ બાબતે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ખેડૂતોને સાથે રાખીને રજુઆતો કરવાની ફરજ પડશે તેવું અંતમાં જણાવાયું છે.