અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા વાવાઝોડામાં થયેલ નુકશાન સંદર્ભે રજુઆત મોરબી : ખરા પરસેવાની કમાણી કરતા મીઠાના અગરીયાઓના પરીવારને પૂરતી રાહત આપવાની માંગ સાથે અખિલ ભારતીય કોળી સમાજના મોરબી જિલ્લાના પ્રમુખ સુરેશભાઈ શિરોહિયા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને જિલ્લા કલેકટર પટેલને લેખિત રજૂઆત માટે આવેદન પત્ર પાઠવવામાં આવેલ છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે ગયું વર્ષ અને આ વર્ષ બે વર્ષ કસોટીભર્યા સરકાર માટે અને આમ પ્રજાજનો માટે ગયા છે. કોરોના મહામારીમાં માંડ થોડી શાંતિ થઈ ત્યાં જ તાઉતે વાવાઝોડાએ હેરાન પરેશાન કરી મુક્યા. જેમાં દરીયા કાંઠાના લોકોને બચાવવાની કામગીરી, સહીસલામત સ્થળે ખસેડવાની કામગીરી, રાશન પાણીથી માંડીને તમામ ખાદ્ય સામગ્રી પુરી પાડવાની નૈતિક જવાબદારી સમજી ખમીરવંતા ગુજરાતની અનેક સેવાભાવી સંસ્થાઓ ખડેપગે રહી થાળે પડી રહી છે. વધુમાં રજુઆતમાં જણાવ્યું છે કે, કચ્છ, મોરબી, પાટડી અને સુરેન્દ્રનગર જીલ્લાના મીઠાના અગરમાં કામ કરતા અગરીયા ભાઈઓને સરકાર તરફથી બીજા જીલ્લામાં જે લાભો મળે તે મુજબ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર જીલ્લાને મળવા જોઈએ તેવી અગરીયા ભાઈઓ વતી માંગ કરી તેમના પરીવારના બાળકોને શિક્ષણ, રાશન, ખાદ્ય સામગ્રી, કપડા, દવાઓ, વગેરે સહાય કરવા રજુઆતમાં જણાવાયુ છે.