સેનેટરી ઇન્સપેક્ટર બેરોજગાર યુવા સમિતિ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન અપાયું મોરબી : રાજ્ય સરકારના પંચાયત વિભાગના આરોગ્ય શાખામાં છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા કર્મચારીઓની સીધી ભરતી ન કરતા આ પરીક્ષા માટે તૈયારી કરતા યુવાનો બેરોજગાર બની ગયા છે અને યુવાનોને ઘરનું ગુજરાન ચલાવવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી, પંચાયત વિભાગની આરોગ્ય શાખામાં વર્ગ-3 ના કર્મચારીઓની સીધી ભરતી કરવાની માંગ સાથે આજે સેનેટરી ઇન્સપેક્ટર બેરોજગાર યુવા સમિતિ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવી સીધી ભરતી સત્વરે કરવા માંગ ઉઠાવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ યુવાનો છેલ્લા 4.5 વર્ષથી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાતી જીલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ખૂબ જ અગત્યની ગણાતી એવી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વર્ગ-૩ અને ફીમેલ હેલ્થ વર્કર વર્ગ-૩ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. આમ જોઈએ તો આ ભરતી પરીક્ષાનું આયોજન સરકારના 10 વર્ષના ભરતી કેલેન્ડર મુજબ વર્ષ 2013થી વર્ષે બે વર્ષે થતું હતું પરંતુ છેલ્લે 24 નવેમ્બર 2016માં જીલ્લા પંચાયત પસંદગી સમિતિ દ્વારા સીધી ભરતી કર્યા બાદ કોઈ સીધી ભરતી આજ દિન સુધી કરવામાં આવી નથી. જેથી, યુવાનોની વધતી જતી ઉંમર અને બેરોજગારી તેઓને દિવસ-રાત સતાવે છે. આ યુવાનોમાંથી કેટલાક મિત્રોની ઉંમર 34 વર્ષથી પણ વધારે થઈ ગઈ છે. જે આ યુવાનો માટે એક ખતરાની ઘંટી સામાન છે. યુવાનોને તેના માતાપિતાએ મહેનતથી ભણાવ્યા છે એમનું પણ એક સપનું છે કે તેમના સંતાનો મહેનત કરીને પંચાયત વિભાગમાં સરકારી નોકરી મેળવીને ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીએ અને પરિવાર સથે જીવન નિર્વાહ કરીએ પરંતુ યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે. કેમ કે MPHWની 2200+ & FHW 3300+ જગ્યાઓ પહેલાથી જ ખાલી હોવા છતા છેલ્લા 4.5 વર્ષથી સીધી ભરતી કરવામાં આવી નથી. આ સ્ટાફની ગ્રામ્ય કક્ષાએ ખૂબ જ ઘટ છે અને કોરોના મહામારી સંદર્ભે નિષ્ણાંતો દ્રારા ચેતવણી પણ આપવામાં આવી છે કે, હજુ કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે. જેમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જન્મી શકે છે. જેમાં બાળકો પણ ખૂબ મોટા પ્રમાણમાં સંક્રમિત થઈ શકે છે. જો હોંશિયાર અને બાહોશ પેરામેડિકલ સ્ટાફ હશે તો દરેક તબક્કે દરેક પરિસ્થિતિનો સામનો કરી શકીશું. આ કોરોના મહામારીમાં આ વર્ગ-3ની ભરતી જુદા-જુદા તબક્કે સરકાર અને પ્રજાના સ્વાશ્ય બાબતે ખૂબ લાભદાયી નિવળશે તેવી અશા છે. આથી, આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની તેઓએ માંગ ઉઠાવી છે.