મોરબી અપડેટમાં અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે તંત્ર દોડતું થયું, જે.સી.બી.ની મદદથી ડામરના કચરાના ઢગલાને રોડ સાઈડમાં પાથરવાની કામગીરી હાથ ધરી મોરબી : મોરબીના શનાળા ચોકડીથી રાજપર ગામ તરફ જવાના માર્ગને હમણાં જ નવો બનાવવામાં આવ્યો છે. પરંતુ કોન્ટ્રાકટરે રોડની સાઈડમાં મોરમ નાખવાને બદલે ડામર વેસ્ટના ઢગલા ખડકી દેતા વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ ઉભું થયું હતું. આ અંગે મોરબી અપડેટમાં સવિસ્તાર અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે તંત્ર દોડતું થઈ ગયું હતું અને તંત્રએ યુદ્ધના ધોરણે આ રોડ ઉપર ખડકાયેલા ડામરના કચરાને રોડ ઉપર પાથરવાની કામગીરી હાથ ધરી હતી. શનાળા ચોકડીથી રાજપર ગામ તરફ જવાના માર્ગને નવો બનાવ્યા બાદ નિયમ મુજબ રોડની બન્ને સાઈડમાં મોરમ ભરવાને બદલે કોન્ટ્રાકટરે વેસ્ટજ મટીરીયલના છેલ્લા દોઢેક માસથી ઢગલા કરી કામગીરી બંધ કરી દેતા લોકો કોન્ટ્રાકટરની બેદરકારીથી અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને મોટરસાયકલ ચાલકો આ વેસ્ટેજ મટિરિયલના ઢગલાને કારણે રાત્રીના સમયે સામેથી આવતા વાહનોની લાઇટથી અંજાઈ જઈ ગોથા પણ ખાઈ રહ્યા છે. આ અંગેની અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતાની સાથે તંત્ર હરકતમાં આવ્યું હતું અને જેસીબીને મદદથી રોડ ઉપર ખડકાયેલા ડામરના કચરાને પાથરવાની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. આ અંગે મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું કે માર્ગ પહોળો કરાયા બાદ રોડની સાઈડમાં પડેલા ખાડાઓ પુરવા આ વેસ્ટ મટીરીયલ ઉપયોગમાં લેવાશે અને આજથી જ રસ્તા ઉપરથી મટીરીયલ હટાવી લેવા કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપી કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે અને રોડ ઉપર ડામરના વેસ્ટેજ ઢગલા હટાવી બન્ને સાઈડમાં નિયમ મુજબ મોરમ ભરી રોડ વ્યવસ્થિત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.