મોરબીમાં ચોંકાવનારા કિસ્સામાં પોલીસે ત્વરિત કામગીરી કરી પરંતુ મેડિકલ રિપોર્ટમાં ફરિયાદ ખોટી હોવાનું ઠર્યું મોરબી : મોરબીમાં એક યુવાનને પોતાની બહેન ઉપર દુષ્કર્મ થયું હોવાની ખોટી માહિતી આપીને પોલીસને ચકરાવે ચડાવી હોવાનો બનાવ બહાર આવતા ચકચાર મચી ગઇ છે. જેમાં યુવાનને આપેલી માહિતિ બાદ પોલીસ બનવાની ગંભીરતાને ધ્યાને લઈને તેની બહેનની મેડિકલ તપાસ કરાવી હતી. જેમાં યુવતી ઉપર દુષ્કર્મ ન થયું હોવાનું ખુલતા યુવાનનો ભાંડો ફૂટ્યો હતો. આથી, પોલીસે હાલ યુવાન સામે ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવા સબબ ગુન્હો દાખલ કરી તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા પીએસઆઇ ડી. વી. ડાંગરે આ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબી નજીકના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક ભાઈએ પોતાની બહેન ઉપર એક શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. આથી, બનાવની ગંભીરતાને ધ્યાને લઈને તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવતીને મેફિકલ તપાસ માટે હોસ્પિટલમાં ખસેડી હતી. ડોક્ટરોએ યુવતીનું મેડિકલ પરીક્ષણ કરતા તેણી સાથે દુષ્કર્મ થયું ન હોવાનું બહાર આવ્યું હતું. આથી, આ ભાઈએ જે માહિતી આપી તે ખોટી હોવાનું બહાર આવતા પોલીસે તેની સંકજાના લઈને આકરી પૂછપરછ કરી હતી. પોલીસની તપાસમાં એવી ચોંકાવનારી બાબતો સામે આવી હતી કે, યુવાનને પોતાની બહેનની ઉંમર 14 વર્ષની હોવાનું પોલીસને કહ્યું હતું.પણ હકીકતમાં તેની બહેનની ઉંમર 22 વર્ષની એટલે કે પુખ્ત વયની હોવાનું સામે આવ્યું હતું. તેમજ આરોપીએ જે શખ્સ સામે દુષ્કર્મ કર્યું હોવાની માહિતી આપી હતી. તે પણ ખોટી ઠરી હતી. હકીકતમાં એ શખ્સ અને યુવાનની બહેન એકમેકને પ્રેમ કરે છે. પણ જે બાબત આરોપીને ગમતી ન હોવાથી બહેનના પ્રેમીને ડરાવવા માટે આ ખોટી સ્ટોરી ઉપજાવી કાઢી હતી. આરોપીએ પોલીસ સમક્ષ આવી કબૂલાત આપ્યા બાદ પોલીસે તેની સામે ગુનો નોંધી તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.